- ભારતમાં રાજકીય કિન્નાખોરી થઈ રહી છે એવા બહાના સાથે બદમાશો અમેરિકામાં રાજ્યાશ્રયની અરજી કરી રહ્યા છે
- અમદાવાદ અને નવસારીના રહેવાસી AAP પાર્ટીમાંથી હોવાનું કહી USમાં આશ્રય લેવામાં સફળ થયા
અમદાવાદ, 25 ડિસેમ્બર : અમેરિકા સહિત પશ્ચિમના દેશો રાજ્યશ્રય આપવામાં ઉદાર છે અને તેમાંય ખાસ કરીને કોઈ દેશમાં પોતાને સાનુકૂળ સરકાર ન હોય ત્યારે અનેક લોકો પશ્ચિમી દેશોમાં જઈને પોતાના દેશની સરકાર તેમના પ્રત્યે કિન્નાખોરી રાખતી હોવાના દાવા કરીને રાજ્યાશ્રય માગતા હોય છે. આ પ્રથા આમ તો અનેક દાયકા જૂની છે. પણ હવે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અમુક બદમાશોએ પશ્ચિમના દેશોની આવાં કારણોસર રાજ્યાશ્રય આપવાની નીતિનો ગેરલાભ લેવાનું શરૂ કર્યું છે.
આમ આદમી પાર્ટી (AAP)નું ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે હજુ સાવ ઓછું વજૂદ છે છતાં USમાં રાજ્યાશ્રય મેળવવા માંગતા રાજ્યના ગેરકાયદેસર વસાહતીઓ AAPના નામનો દૂરુપયોગ કરી રહ્યા છે. અંગ્રેજી મીડિયા હાઉસ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર હાલમાં, આમ આદમી પાર્ટી (AAP)એ ચર્ચામાં છે કારણ કે ઘણા રાજ્યાશ્રય માગનારા US કોર્ટને કહે છે કે, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારથી તેમને ભારતીય સત્તાવાળાઓ હેરાન કરે છે. જેથી તેમને અમેરિકામાં આશ્રય આપવામાં આવે. જેમાં ગુજરાતના અમદાવાદ અને નવસારીના રહેવાસીઓનો સમાવેશ થાય છે. અગાઉ, ઘણા ઇમિગ્રન્ટ્સે કૉંગ્રેસના જોડાણને બનાવટી બનાવ્યું હતું અને USમાં આશ્રય મેળવવા માટે શાસક સરકાર દ્વારા મદદ મળતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાત પોલીસના સૂત્રો અને કેટલાક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ જેમણે AAP જોડાણનો ઉપયોગ કરીને યુએસમાં આશ્રય માંગ્યો છે, તેઓએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા(TOI)ને જણાવ્યું હતું કે, રાજકીય કિન્નાખોરીના નામે USમાં પ્રવેશ મેળવવાની તકો વધી છે.
અમદાવાદ અને નવસારીના રહેવાસી USમાં આશ્રય મેળવવામાં સફળ થયા
અમેરિકામાં ખોટી રીતે ઘૂસી જવા માગતા બદમાશો દિલ્હીમાં ભ્રષ્ટાચાર કેસનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓના નામનો દૂરુપયોગ કરી રહ્યા છે. “ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા દિલ્હી સરકારના અગ્રણી AAP નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના કેસને ટાંક્યા છે. જેમાંથી કેટલાક તો તે નેતાઓ સાથે સેલ્ફી લેવામાં પણ સફળ થયા છે અને કોઈ મુશ્કેલી વિના USમાં આશ્રય મેળવ્યો છે.” તેમ અમેરિકામાં સ્થાયી થયેલા એક ગુજરાતીએ જણાવ્યું હતું. તાજેતરમાં, AAP ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ફોટો ક્લિક કરી અને વર્તમાન સરકાર ઉપર રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ કરીને નવસારીના રહેવાસી પરેશ પટેલ USમાં આશ્રય મેળવવામાં સફળ થયા હતા.
તાજેતરમાં ન્યૂ જર્સીમાં સ્થાયી થયેલા અમદાવાદના એક રહેવાસીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને (TOI)ને કહ્યું હતું કે, “મારો અમદાવાદ શહેરમાં બિઝનેસ હતો અને હું USમાં સ્થાયી થવા માંગતો હતો. મારા એજન્ટની (માનવ તસ્કર) સૂચનાને અનુસરીને, હું AAPમાં જોડાયો અને મેં પાછળથી રાજકીય કિન્નાખોરીના બહાને USમાં પ્રવેશ મેળવ્યો હતો.
રાજકીય કિન્નાખોરી આવા દાવા મોટાભાગે ખોટા છે : સત્તાવાળા
ગુજરાતના સત્તાવાળાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજકીય દમનના આવા દાવા મોટાભાગે ખોટા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “USમાં આશ્રય મેળવનારાઓમાંના ઘણા એવા સમુદાયોના છે જેઓ શાસક પક્ષને વફાદાર છે. તેઓ માત્ર આશ્રય અધિકારો મેળવવા માટે નકલી રાજકીય દમનનાં બહાનાં કાઢે છે,”
મે મહિનામાં, જે એક વીડિયો વાયરલ થયો હતો તેમાં USના એક સુરક્ષા અધિકારી નવ ભારતીયો સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ ઘૂસણખોર ભારતીયો મેક્સિકો બોર્ડરથી USમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. ભારતમાં તેમનાં મૂળ સ્થાન વિશે પૂછવામાં આવતા, તેઓએ જવાબ આપ્યો હતો કે ‘તેઓ ગુજરાતના છે.’ તેમના વ્યવસાય વિશે પૂછતા ‘તેઓએ કોંગ્રેસના કાર્યકરો હોવાનો દાવો કર્યો હતો.’
આ પણ જુઓ :ન્યૂઝક્લિક કેસઃ એક આરોપીએ સરકારી સાક્ષી બનવાની કોર્ટમાં અરજી કરી