T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

ભારતના એક ખેલાડીથી તમારે ખાસ બચવાનું છે: મિસ્બાહની ચેતવણી

Text To Speech

16 મે, લાહોર: T20 વર્લ્ડ કપ શરુ થવાની જેટલી આતુરતા ક્રિકેટ ચાહકોમાં છે તેનાથી અનેકગણી આતુરતા આ ટુર્નામેન્ટમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે ક્યારે થાય તેના વિશે છે. આ દરમ્યાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહની ચેતવણી સામે આવી છે.

ના-ના, આ ચેતવણી ભારતીય ખેલાડીઓ માટે નહીં પરંતુ મિસ્બાહના પોતાના દેશના એટલેકે પાકિસ્તાની ખેલાડીઓ માટે છે. વર્લ્ડ કપનું પ્રસારણ કરનારી ચેનલ સાથે એક કાર્યક્રમમાં ભાગ લેતાં મિસ્બાહની ચેતવણી સામે આવી હતી. મિસ્બાહનું કહેવું છે કે જ્યારે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનો સામનો ભારત સામે થશે ત્યારે ભારતને હરાવવું તેના માટે અઘરું બની રહેવાનું છે. એવું લાગે છે કે દરેક ICC ટુર્નામેન્ટમાં તેના દેશની ટીમ પોતાના પરંપરાગત પ્રતિદ્વંદ્વી સામે કોઈ કારણોસર પાછળ રહી જાય છે.

અમેરિકામાં 1 જૂનથી ICC T20 World Cup શરુ થવાનો છે જેમાં 9 જૂનના દિવસે ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે. સાત T20 વર્લ્ડ કપમાં ભારત માત્ર એક વખત પાકિસ્તાન સામે હાર્યું છે અને એક મેચ ટાઈ થઇ હતી.

મિસ્બાહે કહ્યું હતું કે જ્યારે પણ વર્લ્ડ કપમાં ભારત સામે રમવાની વાત આવે છે ત્યારે તેને દુર્ભાગ્ય કહો કે માનસિકતા પાકિસ્તાનને ભાગે હારવાનું જ આવે છે. આ વખતે પણ પાકિસ્તાને જીત માટે ખૂબ મહેનત કરવી પડશે કારણકે ભારતની બોલિંગ ખૂબ મજબૂત છે. બે અદ્ભુત સ્પિનરો સાથે ખૂબ મજબૂત ફાસ્ટ બોલર્સ પણ છે.’

મિસ્બાહે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યાના વખાણ કરતાં કહ્યું હતું કે આ બોલર્સને કારણે ભારતીય ટીમના ક્રિકેટનું સ્તર ઘણું ઉપર જતું રહ્યું છે.

તેણે એમ પણ કહ્યું હતું કે આ વખતે પણ વિરાટ કોહલી પાકિસ્તાન માટે પડકારરૂપ બનીને આવશે. કોહલી આ વખતે પણ એક મોટું ફેક્ટર બની રહેશે, તેણે ઘણી વખત પાકિસ્તાનને નુકસાન પહોંચાડ્યું છે. તે માનસિકરૂપે ઘણો મજબૂત છે અને આથી તે પાકિસ્તાન સામેની મેચમાં દબાણમાં નથી આવતો પણ તેનાથી તે પ્રેરણા લઈને પોતાની રમતને વધુ મજબૂત કરે છે. તે એક એવો ખેલાડી છે જે તમને મેચ જીતાડી આપે છે.

વિરાટ કોહલીની સ્ટ્રાઈક રેટ વિશે થઇ રહેલી ચર્ચા વિશે મિસ્બાહે કહ્યું હતું કે તેનાથી કોઈજ ફરક નથી પડતો. આ પ્રકારના ખેલાડીઓની આલોચના થવાથી તેઓ વધુ સારો દેખાવ કરતા હોય છે.

Back to top button