ચમત્કાર! વાયડનાડ ઘટનાના ચાર દિવસ પછી સૈન્યે ચાર જણને જીવિત બચાવ્યા
- ભારતીય સેનાના જણાવ્યા અનુસાર વાયનાડના પડવેટ્ટી કુન્નુમાંથી બે મહિલાઓ અને બે પુરૂષોને બચાવી લેવાયા છે
વાયનાડ, 02 ઓગસ્ટ: ભારતીય સેનાએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના ચાર દિવસ બાદ ચાર લોકોને જીવતા બચાવ્યા છે. જેમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. આ લોકો પડવેટ્ટી કુન્નુમાં ફસાયેલા હતા. આ પૈકી એક મહિલાને ચાલવામાં તકલીફ પડી રહી છે. મહિલાની સારવાર ચાલી રહી છે. ભૂસ્ખલનના ચોથા દિવસે શુક્રવારે 40 બચાવ કર્મચારીઓની ટીમે વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ચાર લોકોનો જીવ બચાવ્યો છે.
ભારતીય સેના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ઓપરેશન ચોકસાઇ અને સાવધાની સાથે હાથ ધરવામાં આવ્યું હતું, જેથી તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ઇજાગ્રસ્તોને બહાર કાઢવાનું સંકલન કરવામાં આવ્યું હતું અને બચાવ કામગીરીની સુવિધા માટે હળવા હેલિકોપ્ટર (ALH) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કામગીરીની ઝડપને કારણે કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને સમયસર બચાવી શક્યા છીએ.
પુલ બનવાથી બચાવ કાર્યમાં ઝડપ વધી
અધિકારીઓએ જણાવ્યું હતું કે 190 ફૂટ લાંબા ‘બેઈલી બ્રિજ’નું નિર્માણ પૂર્ણ થતાં બચાવ કામગીરીને વેગ મળ્યો છે. આ પુલ દ્વારા ખોદકામ મશીનો અને એમ્બ્યુલન્સ સહિત ભારે મશીનો મુંડક્કાઈ અને ચુરલમાલા સુધી પહોંચી શકશે. બચાવ કાર્યકરોની 40 ટીમો ભૂસ્ખલનથી પ્રભાવિત છ વિસ્તારોમાં અટ્ટમાલા અને અરનમાલા, મુંડક્કાઈ, પુંચીરીમટ્ટમ, વેલ્લારીમાલા ગામ, GVHSS વેલ્લારીમાલામાં પીડિતોની શોધ કરશે. બચાવ કાર્યકર્તાઓની ટીમમાં આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), DSG, કોસ્ટ ગાર્ડ, નેવી અને MEG ના કર્મચારીઓેની સાથે- સાથે ત્રણ સ્થાનિક લોકો અને એક વન વિભાગનો કર્મચારી જોડાશે.
ચલીયાર નદીમાં પણ કરવામાં આવશે તપાસ
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સિવાય ચલીયાર નદીમાં પણ પીડિતોની શોધ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ચલિયારના 40 કિલોમીટરના વિસ્તારમાં સ્થિત આઠ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને સ્થાનિક તરવૈયાઓ સાથે નદીના કાંઠે ધોવાઇ ગયેલા અથવા ફસાયેલા મૃતદેહોની શોધ કરવામાં આવશે. બચાવ યોજના મુજબ કોસ્ટ ગાર્ડ, નૌકાદળ અને વન વિભાગના કર્મચારીઓ સંયુક્ત રીતે નદીના કાંઠે અને જ્યાં મૃતદેહો ફસાયેલા હોવાની આશંકા છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરશે. મહેસૂલ મંત્રી કે. રાજને એક દિવસ પહેલા કહ્યું હતું કે કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધવા માટે દિલ્હીથી ડ્રોન આધારિત રડારને શનિવારે વાયનાડ લાવવામાં આવશે.
આ પણ વાંચો: “ચૂંટણી લડવાની ઉંમર 25થી ઘટાડીને…” AAP સાંસદે રાજ્યસભામાં કરી મોટી માંગ