ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પુણે પોર્શ કાંડમાં સગીરની માતાની પણ ધરપકડ, પુત્રને બચાવવા બદલ્યા હતા લોહીના નમૂના

  • અગાઉ લોહીના નમૂના બદલવા બદલ બે ડોક્ટરની કરવામાં આવી હતી અટકાયત 

પૂણે, 1 જૂન: મહારાષ્ટ્રના પુણે પોર્શ કાંડમાં કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાન્ચે સગીર આરોપીની માતાની પણ ધરપકડ કરી છે અને આજે શનિવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સગીર આરોપીની માતા શિવાની અગ્રવાલે તેમના પુત્રને બચાવવા માટે બ્લડ સેમ્પલ સાથે ચેડાં કર્યાં હતાં એટલું જ નહીં તેને બદલી પણ નાખ્યા હતા. આ માહિતી બહાર આવતા જ માતા ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. આખરે પુણે પોલીસે તેણીને શોધી કાઢી હતી. તે ગઈકાલે શુક્રવારે રાત્રે મુંબઈથી પુણે આવી હતી. ધરપકડની ઔપચારિકતા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે.

 

આ કેસમાં સસૂન હોસ્પિટલના બે ડોક્ટર અને એક વોર્ડ બોય પહેલાથી જ પોલીસ કસ્ટડીમાં છે. બ્લડ સેમ્પલની હેરાફેરી માટે આરોપી પિતા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં હવે બહાર આવ્યું છે કે, નશામાં ધૂત સગીરનું બ્લડ સેમ્પલ તેની માતાના બ્લડ સેમ્પલથી બદલી દેવામાં આવ્યું  હતું. આ નમૂના માતાએ પોતે તેમના પુત્રના નમૂના સાથે બદલી નાખ્યા હતા.

પોલીસ તપાસમાં હેરાફેરી બહાર આવી

મહત્ત્વપૂર્ણ છે કે, બ્લડ સેમ્પલમાં હેરાફેરી ચીફ મેડિકલ ઓફિસર ડૉ. શ્રીહરિ હલનોર અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ છેતરપિંડી બહાર આવ્યા બાદ ડૉ.હલનોર અને ડૉ.અજય તાવડેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શિવાની અગ્રવાલ આ બંનેની ધરપકડ બાદ ફરાર હતા. પોલીસ તેમને શોધવાનો પ્રયાસ કરી રહી હતી અને આખરે તેમની હવે ધરપકડ કરવામાં આવી છે.

 

ધારાસભ્યની ભલામણ પર ડૉક્ટરની નિમણૂક

હોસ્પિટલના ડીન વિનાયક કાળેનો દાવો છે કે, સગીરના બ્લડ સેમ્પલ બદલનાર આરોપી ડૉ. તાવડેની નિમણૂક ધારાસભ્ય સુનીલ ટિંગ્રેની ભલામણ બાદ કરવામાં આવી હતી. ભલામણ બાદ જ મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર હસન મુશ્રીફે આ નિમણૂકને મંજૂરી આપી હતી. વિનાયક કાળેએ જણાવ્યું હતું કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડ્રગ કેસમાં આરોપી હોવા છતાં ડૉ. તાવડેને ફોરેન્સિક મેડિકલ વિભાગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સગીરના પિતા અને ડોક્ટર વચ્ચે 14 કોલ થયા 

અહેવાલોમાં પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, સગીરના લોહીના નમૂના લેવામાં આવે તે પહેલાં સગીરના પિતા વિશાલ અગ્રવાલે ડોક્ટર તાવડે સાથે વોટ્સએપ અને ફેસટાઇમ કોલ તેમજ સામાન્ય કોલ દ્વારા વાત કરી હતી. બંને વચ્ચે કુલ 14 કોલ થયા હતા. આ કોલ 19 મેના રોજ સવારે 8.30 થી 10.40 વચ્ચે કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સવારે 11 વાગ્યે સગીરના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

હકીકતમાં, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટમાં પ્રથમ બ્લડ સેમ્પલમાં આલ્કોહોલ જોવા મળ્યો નથી. જ્યારે શંકા જણાઈ ત્યારે બીજી હોસ્પિટલમાં ફરીથી ટેસ્ટ કરાવવામાં આવ્યો. અહીંના DNA ટેસ્ટમાં જાણવા મળ્યું કે, લોહીના નમૂના બે અલગ-અલગ વ્યક્તિઓના છે. બીજા ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસને શંકા હતી કે સસૂન હોસ્પિટલના ડોક્ટરોએ આરોપીઓને બચાવવા માટે પુરાવા સાથે છેડછાડ કરી હતી.

આ પણ જુઓ: સેક્સ સ્કેન્ડલના આરોપી પ્રજ્વલ રેવન્ના છ દિવસની પોલીસ કસ્ટડીમાં

Back to top button