ટ્રેનના ડબ્બામાં ઠાંસીઠાંસીને ભર્યા હતા સગીર બાળકો, પ્રયાગરાજમાં કરાયું રેસ્ક્યૂ, મોટા રેકેટનો પર્દાફાશ

પ્રયાગરાજ, 10 મે: ઉત્તર પ્રદેશમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ની ટીમે ગુરુવારે પ્રયાગરાજ જંક્શન ખાતે સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનમાંથી 93 સગીર બાળકોને ઉતાર્યા હતા. આ બાળકોને લઈ જઈ રહેલા નવ લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. પ્રયાગરાજ જંક્શન પર તૈનાત રેલ્વે પોલીસ ફોર્સ (RPF) દ્વારા ટ્રેનમાંથી ઉતાર્યા પછી, આ બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે અને તમામ બાળકોને બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવ્યા છે.
સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનમાંથી 93 સગીર બાળકોનો બચાવ
ફરિયાદ મળ્યા બાદ આરપીએફ સક્રિય થઈ ગઈ હતી અને ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે આરપીએફની ટીમે સગીર બાળકોને બચાવીને ટ્રેનમાંથી નીચે ઉતાર્યા હતા. રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા લાંબા સમયથી માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. બાળકોના લોકેશન અને તેમને ટ્રેનમાં લઈ જનાર વ્યક્તિઓ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ બાળકોને બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવ્યા છે. આ તમામ બાળકો બિહારના અલગ-અલગ જિલ્લાના રહેવાસી છે. Human Traffickingની આશંકા છે.
નવ લોકોની ધરપકડ
આરપીએફની ટીમે બાળકો સાથે 9 એજન્ટોને પણ પકડ્યા છે. આરપીએફની પૂછપરછ દરમિયાન, એજન્ટે જણાવ્યું હતું કે બાળકોને મદરેસામાં અભ્યાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા, જોકે એજન્ટ સગીર બાળકોને લઈ જવા માટે માન્ય દસ્તાવેજો બતાવી શક્યા ન હતા. આ બાળકોને લઈ જનારા લોકો પાસે આ બાળકોને લઈ જવા માટેનું કોઈ માન્ય પ્રમાણપત્ર નહોતું અને ન તો તેમના માતા-પિતા કે પરિવારના કોઈ સભ્ય તેમની સાથે હતા. મળતી માહિતી મુજબ, આ તમામ બાળકો મુસ્લિમ સમુદાયના છે અને તેમની ઉંમર નવ વર્ષથી લઈને 12-13 વર્ષની વચ્ચે છે.
આરપીએફની ટીમે બાળકોના પરિવારજનોને જાણ કરીને બોલાવ્યા હતા. રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બાળકોના પરિવારજનો સાથે વાત કરીને એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાળ કલ્યાણ સમિતિ શુક્રવારે બાળકો માટે કાઉન્સેલિંગનું આયોજન કરશે.
રેલવે અધિકારીઓએ મીડિયાને એમ પણ જણાવ્યું કે બાળકોને અલગ-અલગ શહેરો દિલ્હી, નાગૌર, દેહરાદૂન લઈ જવામાં આવી રહ્યા છે. બાળકો સાથે પકડાયેલા લોકોએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ બાળકોને મદરેસામાં ભણાવવા લઈ જતા હતા, પરંતુ તેઓ કહી શક્યા નહોતા કે મદરેસામાં ભણાવવા માટે અન્ય શહેરોમાં લઈ જવાનું કારણ શું હતું.
બાળકોને મુક્ત કરાવવા દરમિયાન બચપન બચાવો આંદોલનના કર્મચારીઓ, ચાઈલ્ડ હેલ્પલાઈનના કર્મચારીઓ અને રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કામ કરતા મહિલા દળના સભ્યો પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવાનું ભારે પડ્યું? જાણો રમૂજ અને આઘાતની ઘટના વિશે