ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં મંત્રીઓને 2.5 વર્ષનો મળશે કાર્યકાળ, 2 દિવસમાં વિભાજિત થશે વિભાગો: CM ફડણવીસ

નવી દિલ્હી, 15 ડિસેમ્બર: મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. નાગપુરમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, 39 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. સૂત્રોનું માનીએ તો ગૃહ વિભાગ કે જેના પર શિવસેનાની નજર હતી તે ભાજપના ખાતામાં રહેશે તેમજ ભાજપે ગૃહ, મહેસૂલ, સિંચાઈ અને શિક્ષણ વિભાગ પોતાની પાસે રાખ્યા છે. મંત્રીઓનો કાર્યકાળ માત્ર અઢી વર્ષનો રહેશે. શપથ ગ્રહણ લીધા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભાવિ એક્શન પ્લાન વિશે વાત કરી હતી.

મંત્રાલયોની વહેંચણી પર સર્વસંમતિ થઈ 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે 39 મંત્રીઓના શપથગ્રહણ બાદ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ કેબિનેટમાં 6 મંત્રી રાજ્ય મંત્રી છે અને આગામી બે દિવસમાં પોર્ટફોલિયો પણ આપવામાં આવશે અને તેની પણ જાહેરાત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, મંત્રાલયોની વહેંચણી પર સર્વસંમતિ સધાઈ છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

વિધાનસભાના શિયાળુ સત્ર પહેલા યોજાયેલા આ શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રથમ વખત વાતચીત કરી હતી. CM ફડણવીસે કહ્યું કે, આગામી વિધાનસભા સત્રમાં 20 બિલ રજૂ કરવામાં આવશે, જે રાજ્યના વિકાસ અને કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ હશે.

વિરોધ પક્ષોએ High Tea Partyનો બહિષ્કાર કર્યો

આ દરમિયાન વિરોધ પક્ષોએ સત્રના પહેલા દિવસે હાઈ ટી પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. CM ફડણવીસે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિપક્ષ એ જ જૂના મુદ્દા ઉઠાવી રહ્યો છે જે છેલ્લા કેટલાક વર્ષોથી ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, વિપક્ષે એક જ નવો મુદ્દો ઉમેર્યો છે, જે છે ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના દુરુપયોગનો આરોપ.

આ આરોપનો જવાબ આપતાં મુખ્ય પ્રધાને કહ્યું કે, “EVMનો અર્થ ‘એવરી વોટ ફોર મહારાષ્ટ્ર’ છે. જો વિપક્ષ અમને ‘EVM સરકાર’ કહે છે, તો મને એ કહેતા ગર્વ થાય છે કે અમે ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર’ માટે દરેક મતની સખત મહેનત કરી રહ્યા છીએ.”

વિપક્ષના આરોપોને ફગાવી દેતા ફડણવીસે કહ્યું કે, તેમની સરકાર રાજ્યના વિકાસ માટે સખત મહેનત કરી રહી છે અને જનતાના સમર્થનથી આગામી ચૂંટણીઓમાં મોટી સફળતા હાંસલ કરશે. દરમિયાન, રાજ્યના રાજકારણમાં મંત્રીમંડળના વિસ્તરણ અને આગામી વિધાનસભા સત્ર માટે બિલની રજૂઆતને લઈને હલચલ મચી ગઈ છે.

ડેપ્યુટી CM એકનાથ શિંદેએ શું કહ્યું?

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંત્રીઓ માટેના રોટેશનલ ફોર્મ્યુલા પર સ્પષ્ટતા કરી કે, તેમની પાર્ટીએ દરેક મંત્રીને 2.5 વર્ષનો કાર્યકાળ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, “કાં તો કામ કરો, અથવા રાજીનામું આપો…” (Perform or Perish) આ નિયમ લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત સારું પ્રદર્શન કરનારા મંત્રીઓને આગળ વધવાની તક મળશે. શિંદેએ એમ પણ કહ્યું કે, આ નિયમથી વધુ ધારાસભ્યોને પ્રદર્શન કરવાની તક મળશે, જેના દ્વારા તેઓ પોતાની ક્ષમતા સાબિત કરી શકશે અને પાર્ટીમાં મહત્વની ભૂમિકા ભજવી શકશે.

આ પણ જૂઓ: Maharashtra Cabinet Expansion LIVE/ મહાયુતિ સરકારની શપથવિધિ શરૂ, 39 ધારાસભ્યો બન્યા મંત્રી

Back to top button