મંત્રી ઋષિકેશ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફૂલ પાનશેરિયા કેમ પહોંચ્યા શેલ્ટર હોમ?
- જખૌ ખાતેના સાયક્લોન શેલ્ટર હોમ્સની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફૂલ પાનશેરિયા
- જખૌ પ્રાથમિક શાળા અને આયુષ્યમાન હેલ્થ સેન્ટર ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયું છે શેલ્ટર હોમ
- વાવાઝોડાનો ખતરો નહીં ટળે ત્યાં સુધી શેલ્ટર હોમ્સમાં જ રહેવું હિતાવહ – આરોગ્ય મંત્રીઋષિકેશ પટેલ
- શેલ્ટર હોમ્સમાં જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે – પ્રભારી મંત્રી પ્રફૂલ પાનશેરિયા
ભુજ, બુધવાર: હવામાન વિભાગની આગાહી અનુસાર જખૌ બંદરના નજીકના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડા ટકરાઈ શકે છે. આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ, સ્થળાંતરની કામગીરી અને જખૌ ખાતેના શેલ્ટર હોમ્સમાં ઉપલબ્ધ જન સુવિધાઓની સમીક્ષા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રીપ્રફૂલપાનશેરિયા જખૌ ખાતે પહોંચ્યા હતા.
જખૌ ખાતેના કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત સાયક્લોન શેલ્ટર હોમ્સની મુલાકાત લઈને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જાત નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો- ગુજરાત ઉપરાંત વધુ પાંચ રાજ્યો પર બિપરજોય કરશે પોતાની ખતરનાક અસર
જખૌ પ્રાથમિક શાળા ખાતે શેલ્ટર હોમ્સમાં સ્થળાંતરિત નાગરિકોને સંબોધન કરતા આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની તીવ્રતા વધારે હોવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના લીધે કાચા મકાનોમાં રહેવું હિતાવહ નથી. સરકારશ્રી દ્વારા શેલ્ટર હોમ્સમાં રહેવા, જમવા તેમજ આરોગ્યની સુવિધાઓ ઊભી કરાઈ છે.
પ્રભારી મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, શેલ્ટર હોમ્સમાં કોઈપણ સુવિધાઓની જરૂર પડે તો તાત્કાલિક વહીવટી તંત્રનો સંપક કરવો. તેઓએ મુલાકાત દરમિયાન મહિલાઓ, બાળકો સાથે સંવાદ કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા.
શેલ્ટર હોમ્સમાં રહેવા, જમવાની કેવી સુવિધાઓ છે અને તેમાં કોઈ સૂચનો હોય તો પણ જણાવવા પ્રભારીમંત્રીએ સ્થળાંતરિત નાગરિકોને અપીલ કરી હતી. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આયુષ્યમાન કેન્દ્ર ખાતે શેલ્ટર હોમ્સમાં ઉપલબ્ધ સુવિધાઓને બિરદાવી હતી.
આ પણ વાંચો- બિપોરજોય વાવાઝોડાના આગમન પૂર્વે જ ગુજરાતના આ વિસ્તારોમાં થયુ અંધારપટ