ગુજરાતટોપ ન્યૂઝ

ભારતના ઉદ્યોગોનો કારોબાર 12 ગણો વધ્યો: પીયૂષ ગોયલ

દેશના ઉદ્યોગ-વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જી-20 સમિટ અંતર્ગત બે દિવસીય બિઝનેસ 20 ઇન્સેપ્શન બેઠકના ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું હતું કે, ભારતે 1991થી અત્યાર સુધી છેલ્લા ત્રણ દાયકામાં નાણાકીય સહિત અનેક કટોકટીઓમાંથી પસાર થઈને ઔદ્યોગિક ક્ષેત્રે 270 બિલિયન યુએસ ડોલરનો કારોબાર વધારીને 3.2 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચાડયો છે, જે 12 ગણો વિકાસ દર્શાવે છે.

આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીમાં આગામી ચૂંટણી માટે સી.આર.પાટિલે બનાવ્યો માસ્ટર પ્લાન

એપલે હવે મેઇડ ઇન ઇન્ડિયા ફોન પણ લોન્ચ કરી દીધો

એમણે ભારતમાં વિશાળ બજારનો લાભ લઈ મૂડીરોકાણ કરવા-વધારવા આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક બિઝનેસમેનોને ઇજન આપતાં બે આંતરરાષ્ટ્રીય કંપનીઓની સક્સેસ સ્ટોરીના ઉદાહરણ ટાંક્યા હતા અને જણાવ્યું હતું કે, અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ્સ બનાવતી બ્રિટનની એક કંપની અગાઉ માત્ર 10 દેશોમાં તેનું ઉત્પાદન નિકાસ કરતી હતી, પણ ત્રણ વર્ષ પહેલાં તે ભારતમાં આવી એ પછી અત્યારે 110 દેશો સાથે વેપાર-ધંધો કરી રહી છે, એવી જ રીતે આઇફોન ઉત્પાદક એપલ કંપની ભારતમાં તેનો ઉત્પાદન હિસ્સો 5-7 ટકાથી વધારીને 25 ટકા લઈ જઈ રહી છે, એટલું જ નહીં એપલે હવે મેઇડ ઇન ઇન્ડિયા ફોન પણ લોન્ચ કરી દીધો છે.

વડાપ્રધાન મોદીનું 4-‘આઇ’ વિઝન-ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ઉદ્યોગ-વાણિજ્યમંત્રીએ વેપાર-ધંધા તથા મૂડીરોકાણમાં વડાપ્રધાન મોદીનું 4-‘આઇ’ વિઝન-ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટિગ્રિટી, ઇનક્લૂઝિવ ડેવલપમેન્ટ તથા ઇન્ટરનેશનલ આઉટલૂક અપનાવી ભારતીય અર્થતંત્રમાં યોગદાન આપવાની શીખ આપી હતી. એમણે ડિજિટલાઇઝેશન અને ટેલિકોમ ક્ષેત્રે ટેક્નોલોજીની બાબતમાં બે વર્ષ પછી ભારત ટોચના પાંચ-છ દેશોની હરોળમાં આવી જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

7 ટાસ્ક ફોર્સ, 2 એક્શન કાઉન્સિલની રચના થઈ ચૂકી : એન. ચંદ્રશેખરન

બિઝનેસ-20 ઇન્ડિયાના અધ્યક્ષ એવા તાતા સન્સના સીએમડી એન. ચંદ્રશેખરને ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું હતું કે, ભારતમાં યોજાનારી જી-20 સમિટ અંતર્ગત બિઝનેસ 20 બેઠકો અંગે ભારતીય કંપનીઓમાં ભારે ઉત્તેજના છે અને તેથી ગ્લોબલ સપ્લાય ચેઇન, ભવિષ્યની કામગીરી માટેની સ્કિલ્સ, તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે સરક્યુલર ઇકોનોમીનો રોડમેપ, તમામ ક્ષેત્રોમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, અર્થકારણની નવીનતા, નવસર્જન-સંશોધન અને વિકાસ તેમજ ફાઇનાન્શિયલ ઇન્ક્લૂઝન જેવા 7 ક્ષેત્રો માટે ટાસ્કફોર્સ તથા 2 એક્શન કાઉન્સિલની રચના અત્યાર સુધીમાં થઈ ચૂકી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સીઆઇઆઇના આગેવાન એવા બજાજ ફિનસર્વ કંપનીના પ્રપોટર સંજીવ બજાજે રિસ્પોન્સિબલ-એક્સિલરેટેડ-ઇનોવેટિવ-સસ્ટેનેબલ-ઇક્વિટેબલ-‘રેઇઝ’નો મંત્ર અપનાવી ભારતીય કંપનીઓ આફ્રિકાના દેશોમાં વેપાર-ધંધો વધારવા ફોકસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ ટૂંકમાં આવશે

કેન્દ્રીય રેલવે તથા આઇટી વિભાગના મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં ટૂંક સમયમાં ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ લવાશે, જેનો મુસદ્દો ઓનલાઇન અપલોડ કરી દેવાયો હોવાની જાહેરાત કરતાં ભારતમાં દર મહિને 1.5 મિલિયન નવી રોજગારી ઉત્પન્ન થઈ રહી હોવાનો તથા દેશમાં ફુગાવાનો દર અન્ય વિકસિત દેશોની સરખામણીયે માત્ર 5.8 ટકા હોવાનો દાવો કર્યો હતો. ભારતમાં ડિજિટલ ઇન્ડિયા મિશનના 2015માં લોન્ચિંગ પછી પેમેન્ટ સિસ્ટમનું ડિજિટલાઇઝેશન થઈ ચૂક્યું છે અને એ જ રીતે પીપીપી મોડ ઉપર કોરોના વેક્સિનેશનનું સંચાલન થયું છે, એમ પણ એમણે ગૌરવભેર જણાવ્યું હતું.

Back to top button