કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાપર ખાતે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

  • દરેક નાગરીક દેશ-રાજ્યની વિકાસની ગતિશીલતામાં સક્રિયતા જોડાઈ સહયોગની આહુતિ આપે: રાજય મંત્રી જગદીશ વિશ્વકર્મા

ભુજ, 26 જાન્યુઆરી: દેશભરમાં આજે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ રહી છે. દરેક દેશવાસી આજના દિવસે ગર્વથી તિરંગો લહેરાવી રહ્યો છે. ત્યારે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ રાપર ખાતે 75માં પ્રજાસત્તાક પર્વે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવીને કચ્છીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ આપી હતી.

કચ્છીની ભૂમિ પર ત્રિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું: રાજય મંત્રી જગદીશ વિશ્વકર્મા

આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ 8 પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા પ્રજાસત્તાક પર્વમાં રાજયમંત્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને 75માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં દેશના સ્વાતંત્રવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે, ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માની આ ભૂમિ હંમેશા પ્રધાનમંત્રીના દિલમાં વસેલી છે. હિંમતવાન, મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર ત્રિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું.

કાર્યક્રમમાં મંત્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પરિચય તેમજ તેમની સફળતા જણાવીને કચ્છના બાગાયતી, ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ધોરડોને બેસ્ટ વિલેજ ટુરીઝમ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે. જે સમગ્ર દેશ અને રાજ્ય માટે ગૌરવની વાત છે.

કચ્છના રણ ઉત્સવની સફળતાને વર્ણવતા મંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છમાં રણોત્સવની શરૂઆત થી હમણાં સુધી ૩૦ લાખથી વધુ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ સ્મૃતિ વન જેવા પ્રકલ્પ થકી કચ્છનું પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ સાથે કચ્છમાં સરકાર દ્વારા ધોળાવીરા, માતાના મઢ, લખપતનો કિલ્લો વગેરે જેવા પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં કચ્છના પ્રવાસનને વધુ વેગ આપશે.

રાજયમંત્રીએ દરેક નાગરીકને નવા ભારતના નિર્માણ માટે તેમજ રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાવવા અનુરોધ કર્યો હતો. આ તકે રાજ્યમંત્રી સાથે કલેકટર અમિત અરોરા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પરેડ નિરીક્ષણ કર્યુ હતું. આ બાદ પરેડ કમાન્ડરની આગેવાની હેઠળ વિવિધ 8 પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી.

આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જયો હતો. દેશભક્તિ ગીત, અભિનય ગીત, ફોજી નૃત્ય, રામાયણ સમુહ નૃત્યની પ્રસ્તૃતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઇ હતી. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા.

મંત્રીએ તાલુકાના વિકાસ માટે 25 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો 

આ તકે રાજયમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું. રાજ્ય મંત્રીએ કલેકટરને તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો.

આ પણ વાંચો: જૂનાગઢ: 75 મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ધ્વજવંદન

Back to top button