હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાના નવા રથનું પૂજન કર્યું, જાણો રથયાત્રાનો શું છે ઇતિહાસ
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા
- જગન્નાથજીની 146મી રથાયાત્રાની ઉજવણીની તૈયારીઓની શરૂઆત
- અમદાવાદમાં યોજાતી રથયાત્રાનો ઈતિહાસ પણ છે રસપ્રદ
અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા હતા. તેમણે રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી હતી. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યા બાદ ત્રણેય રથની આરતી ઉતારવામાં આવી હતી.આ સાથે આગામી જૂન માસમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની 146મી રથાયાત્રાની ઉજવણીની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથપૂજન કર્યું
આ રથ પૂજન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નવા રથોમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળવાના છે. નગરજનોની આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિ અકબંધ રહે એ રીતે અદ્ભુત કલાકૃતિ સમાન નવા રથોની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આજે વિધિવત રીતે રથોની પૂજા કર્યા બાદ રથયાત્રાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવશે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આ રથયાત્રામાં ટેકનોલોજીના ઉપયોગ થકી સુરક્ષા અને સલામતી વધુ સઘન બનાવવામાં આવશે તથા આવનારા દિવસોમાં સૌ નગરજનો સાથે મળીને જગતના નાથ એવા જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં સામેલ થઈશું અને આશીર્વાદ મેળવીશું, એવો આશાભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ મહાનુભાવો રહ્યા હાજર
આ રથપૂજન કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, અમદાવાદના ધારાસભ્યઓ, મ્યુ. કાઉન્સિલરઓ, મંદિરના ટ્રસ્ટીગણ ઉપરાંત ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ
અમદાવાદમાં આ વર્ષે 146મી રથાયાત્રા શરુ થવા જઈ રહી છે. જેની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ગઈ કાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજન કરી વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી હતી. ત્યારે અમદાવાદની રથયાત્રાની શરુઆત કેવી રીતે થઈ અને તેના ઈતિહાસ વિશે અમે તમને જણાવીશું.
રથયાત્રાનો ઈતિહાસ
અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ખૂબ રસપ્રદ રહ્યો છે. અંદાજે સાડા ચારસો વર્ષ પહેલા રામામંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી.જે બાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા.જે બાદ અમદાવાદ શહેરમાં જગન્નાથની આ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. અમદાવાદમાં 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ રથયાત્રા નીકળી હતી.જેને મહંત નરસિંહદાસજી મહારાજે શરુ કરાવી હતી.નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રા શરૂ કરી. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ ખુબ વધી ગયો અને તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ. વર્ષમાં માત્ર આ એક દિવસે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન સામે ચાલીને આવે છે.
આ પણ વાંચો : અમદાવાદ : ગ્રામજનોના પ્રશ્નોનો ઉકેલ આપતો અનોખો ‘સ્વાગત’કાર્યક્રમ યોજાયો