ગુરુવારે ભારત ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ નિહાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા રાજભવન પહોંચ્યા હતા ત્યાર બાદ વડાપ્રધાન તેમણે ફાળવેલ સમય કરતાં પણ વધુ સમય સુધી રાજભવનમાં રોકાયા હતા. રાજભવનમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ અને રત્નાકર સાથે બેઠક કરી હતી.
આ પણ વાંચો : BBCની વિવાદિત ડોક્યુમેન્ટ્રી સામે ગુજરાત વિધાનસભામાં ઠરાવ પસાર
મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ જોડે બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાને ગુજરાતના મુખ્ય સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. આ બેઠકો બાદ ગઇકાલે ભારત સરકારના સંદેશ વ્યવહાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ વિધાનસભા ગૃહની ગેલેરીમાં જોવા મળ્યા હતા. અચાનક દેવુસિંહ વિધાનસભા ગૃહમાં આવતા ભાજપના ધારાસભ્યો પણ વિચારમાં પડી ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંત્રીજી ગૃહમાં થતી કામગીરીનું વર્ણન દિલ્હી પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલના બીજી વાર મુખ્યમંત્રી બન્યા બાદ 22 માર્ચે 100 દિવસ પૂરા થવાના છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા રાજભવન ખાતે ચાર કલાક કરેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે હવે 22 માર્ચે સરકાર પોતાની કઈ ઉપલબ્ધિ સાથે જનતા સામે આવશે તે જોવું રહ્યું.