વન અને પર્યાવરણ મંત્રીએ સાસણ ખાતે ગીર વન વિસ્તારના પ્રશ્નોની સમીક્ષા કરી
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ સાસણ સિંહ સદન ખાતે સ્થાનિક પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને ગીર જંગલ વિસ્તાર સાથે જોડાયેલ ગામડાઓના આગેવાનો સાથે બેઠક યોજી, વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે સાસણના પ્રવાસનને વધુ વેગ મળે તે દીશામાં પણ સાર્થક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગીર વન વિસ્તારના જુદા-જુદા નેસ અને સાસણ, છેલણકા, અમૃતવેલ, નાજાપુર, છતરીયા, સુરજગઢ, કરશનગઢ સહિતના ગામોના રોડ રસ્તા, વીજળી, પાણી, ગામતળ સહિતના મુદ્દે રજૂ થયેલા પ્રશ્નો સંદર્ભે મંત્રી કિરીટસિંહ રાણાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને સંબંધિત અધિકારીઓને સંકલન સાધી ત્વરિત પ્રશ્નોનું નિવારણ લાવવા માટે સૂચનાઓ આપી હતી. ઉપરાંત નીતિ વિષયક પ્રશ્નોમાં સાધનીક કાગળો સાથે ઉચ્ચ સ્તરે મોકલી આપવા માટે નિર્દેશ આપ્યા હતા. ખાસ કરીને વન વિભાગ અને મહેસૂલી જમીનના હદ વિસ્તારના પ્રશ્નોનુ યોગ્ય સંકલન સાથે ઉકેલવા માટે પણ સૂચના આપી હતી.
આ પણ વાંચો : અંકિતા ભંડારી હત્યા કેસઃ SIT કરશે પૂછપરછ, સવાલોની લાંબી લિસ્ટ તૈયાર
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય તથા પૂર્વ સાંસદ રહ્યા ઉપસ્થિત
આ બેઠકમાં પૂર્વમંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા ચર્ચામાં સહભાગી થઈ હકારાત્મક સૂચનો કર્યા હતા. આ બેઠકમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ ખુમાણ, તાલુકા પંચાયતના સદસ્ય દેવશીભાઈ ચાંડેરા, અગ્રણી રોનિતભાઈ બુસા, બળવંતભાઈ ધામી, મુખ્ય વન સંરક્ષક સર્વ અનુરાધા શાહુ, કે. રમેશ, નયાબ વન સંરક્ષક સર્વ મોહન રામ સુનિલ બેરવાલ, પીજીવીસીએલના પાઘડાર, પ્રાંત અધિકારી નિશાબા ચુડાસમા, જિલ્લા જમીન દફતર નિરીક્ષક હિરપરા સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.