અંબાજી ખાતે વન વિભાગ દ્વારા નવનિર્મિત ‘વન વિશ્રામ ગૃહ’નું મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું લોકાર્પણ
પાલનપુર : વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે સવારે પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા હતા. મંત્રીએ માતાજીના દર્શન કર્યા બાદ જી. એમ. ડી. સી. ગ્રાઉન્ડ રોડ પર વન વિભાગના રેસ્ટ હાઉસનું લોકાર્પણ કર્યુ હતું.
ત્યારબાદ ગબ્બર રોડ પર તૈયાર કરાયેલ વન કવચનું નિરીક્ષણ કરીને વન વિભાગ દ્વારા વનોના સંવર્ધન અને જતન માટે કરવામાં આવેલ કાર્યોની સરાહના કરતા જણાવ્યું કે, આજે આદ્યશક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવું છું. ત્યારબાદ વન વિભાગના રેસ્ટ હાઉસનુ લોકાર્પણ કરવાનો પણ મોકો મળ્યો છે.
આ ઉપરાંત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે તા. 5 મી જૂન, વિશ્વ પર્યાવરણના દિવસે લોકાર્પણ કરાયેલ વન કવચ ખુબ જ ટૂંકાગાળામાં સુંદર વન બન્યું છે. આજે સુંદર અને રમણીય વન કવચ જોઈને હર્ષની લાગણી થાય છે.
આજરોજ યાત્રાધામ અંબાજી ખાતે વન વિભાગ દ્વારા નવનિર્મિત 'વન વિશ્રામ ગૃહ' નું ઉદઘાટન કરીને સેવા અને સુગમતા અર્થે સમર્પિત કર્યું. pic.twitter.com/jXBec5G9zg
— Mulubhai Bera (@Mulubhai_Bera) October 7, 2023
સમગ્ર રાજ્યમાં આવા 85 જેટલાં વન કવચ બનાવાનું નક્કી કરવામાં આવ્યું છે. વન્યજીવો અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ રહી વિકાસના કામોને વેગ મળે એ માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ. કે. ચતુર્વેદી, અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ. ડી. સિંઘ, મુખ્ય વન સંરક્ષક એન. શ્રીવાસ્તવ, વન સંરક્ષક ડૉ. બી. સૂચિન્દ્રા, સામાજિક વનિકરણ વિભાગના નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘ અને નાયબ વન સંરક્ષક પી. જે. ચૌધરી, અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર વિજય ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : એચપીસીએલ પાઈપલાઇન મુદ્દે બનાસકાંઠાના ખેડૂતોમાં હજુ પણ અસંતોષ