વર્ષ 2022 દુનિયાના અમીર લોકો માટે અત્યાર સુધી સારું રહ્યું નથી. શેરબજારોમાં ઘટાડાને કારણે વિશ્વભરના અમીર લોકોની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો છે. બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલા બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, 2022ના પ્રથમ 6 મહિનામાં વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની કુલ સંપત્તિ ઘટીને 210 બિલિયન ડૉલર થઈ ગઈ અને આ દરમિયાન તેમને 59.9 બિલિયન ડૉલરનો આંચકો લાગ્યો. બીજા ક્રમના જેફ બેઝોસની કુલ સંપત્તિ $133 બિલિયન છે અને તેમને $59.3 બિલિયનની ખોટ છે. આ સમય દરમિયાન ટોપ 10માં સામેલ ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં જ વધારો જોવા મળ્યો છે.
માર્ક ઝકરબર્ગની સંપત્તિ અડધાથી પણ ઓછી થઈ ગઈ
ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગને સૌથી વધુ નુકસાન થયું છે. બ્લૂમબર્ગ અનુસાર, વર્ષ 2022માં ઝકરબર્ગની નેટવર્થ $65.9 બિલિયન ઘટીને $59.3 બિલિયન થઈ ગઈ છે. આટલા મોટા ઘટાડાને કારણે ઝકરબર્ગ હવે ટોપ 10ની યાદીમાંથી પણ બહાર થઈ ગયો છે. ઝકરબર્ગ હવે અબજોપતિઓની યાદીમાં 17મા સ્થાને પહોંચી ગયો છે.
ટોપ-10 ના અન્ય ધનકુબરોની સ્થિતિ
યાદીમાં ત્રીજા ક્રમે રહેલા ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ 2022માં $50.4 બિલિયન ઘટી છે અને હવે તે $128 બિલિયન છે. એ જ રીતે ચોથા નંબરના અબજોપતિ બિલ ગેટ્સની સંપત્તિ 22.9 અબજ ડોલર ઘટીને 115 અબજ ડોલર થઈ છે. લેરી પેજે $29.3 બિલિયન ગુમાવ્યા, વોરેન બફેટને $12.5 બિલિયનનો આંચકો લાગ્યો, સર્ગેઈ બ્રિનની સંપત્તિમાં પણ $28.3 બિલિયનનો ઘટાડો થયો, અને સ્ટીવ બાલ્મરે $13.7 બિલિયન ગુમાવ્યા.
આ સમયગાળા દરમિયાન ટોપ 10માં રહેલા ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. અદાણીની સંપત્તિ $22.3 બિલિયન વધીને $98.8 બિલિયન થઈ છે અને તે યાદીમાં છઠ્ઠા સ્થાને છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં $3 બિલિયનનો વધારો થયો છે અને તેમની કુલ સંપત્તિ $93 બિલિયનની આસપાસ પહોંચી ગઈ છે.
અન્ય ભારતીયોની શું હાલત છે
500 અબજપતિઓની યાદીમાં અન્ય ભારતીયોમાં, અઝીમ પ્રેમજીની સંપત્તિમાં $15.5 બિલિયનનો ઘટાડો થયો છે, જ્યારે શિવ નાદરને $8.51 બિલિયનનું નુકસાન થયું છે. રાધાકિશન દામાણીને પણ $7.40 બિલિયનનું નુકસાન થયું છે, જ્યારે લક્ષ્મી મિત્તલને $4.59 બિલિયનનું નુકસાન થયું છે.