ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિલિંદ દેવરાએ કોંગ્રેસનો હાથ છોડીને શિવસેનાનો કેસરિયો ધારણ કર્યો

મુંબઈ (મહારાષ્ટ્ર), 14 જાન્યુઆરી: કોંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા રવિવારે શિવસેનાના શિંદે જૂથમાં જોડાયા છે. આ અવસરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમને ભગવો ધ્વજ પર અર્પણ કર્યો હતો. મહત્ત્વનું છે કે, આજે સવારે એટલે કે 14 જાન્યુઆરીએ દેવરાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ભારત જોડો ન્યાયયાત્રાની શરૂઆત પહેલા જ મિલિંદ દેવરા દ્વારા પાર્ટી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી.

મિલિંદ દેવરા સત્તાવાર રીતે શિવસેનામાં જોડાયા

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મિલિંદ દેવરા CM એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલોમાં પહોંચ્યા હતા. આ પછી તેઓ ઔપચારિક રીતે શિવસેનામાં જોડાયા. આ પ્રસંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમના સમર્થકો પણ હાજર હતા જેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સમર્થકોએ નારેબાજી કરી હતી કે ‘મિલિંદ ભાઈ, આગળ વધો, અમે તમારી સાથે છીએ.’ જો કે, પહેલાથી મિલિંદ દેવરાની શિવસેનામાં જોડાવવાની અટકળો ચાલતી હતી. આજે તેઓ શિવસેનામાં જોડાઈને તમામ અટકળોનો અંત લાવી દીધો છે.

અગાઉથી શિવસેનામાં જોડાવવાની અટકળો ચાલતી હતી

મિલિંદ દેવરાના શિવસેનામાં જોડાવાની અટકળો વચ્ચે થોડા સમય પહેલા સીએમ શિંદેનું નિવેદન પણ સામે આવ્યું હતું. આ દરમિયાન તેમણે દેવરાના શિવસેનામાં જોડાવાના મુદ્દે કંઈપણ કહેવાનું ટાળ્યું પરંતુ કહ્યું કે જો દેવરા પાર્ટીમાં જોડાવા ઈચ્છે તો તેમનું સ્વાગત છે. સાઉથ મુંબઈ બેઠક પરથી લોકસભાના ભૂતપૂર્વ સભ્ય દેવરાએ આજે ​​જ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું હતું, જેની માહિતી તેમણે X પર પોસ્ટ દ્વારા આપી હતી. તેમણે લખ્યું, ‘આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત છે. મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને આ સાથે જ મારા પરિવારનો પક્ષ સાથેનો 55 વર્ષ જૂનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. હું તમામ નેતાઓ, સાથીદારો અને કાર્યકરોનો વર્ષોથી અતૂટ સમર્થન માટે આભારી છું.

દેવરાએ કહ્યું- હું વિકાસના માર્ગ તરફ આગળ વધી રહ્યો છું

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ દેવરાએ કહ્યું કે તેઓ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છે. પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરવા માટે પત્ની પૂજા સાથે ઘરેથી નીકળેલા દેવરાએ કહ્યું, ‘હું વિકાસના માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.’

આ પણ વાંચો: મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, શિવસેનાના શિંદે જૂથમાં જોડાશે

Back to top button