ઈરાકના ઉત્તર-પૂર્વ કુર્દીસ્તાન વિસ્તારમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા હુમલાના સમાચાર મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સેનાએ આ વિસ્તારમાં મિસાઈલ છોડી છે, સાથે જ હુમલા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આઈઆરજીસી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં લગભગ 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, સાથે જ લગભગ 58 લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ અગાઉ સોમવારે રિવોલ્યુશનરી ગાર્ડે ઉત્તરી ઈરાકમાં કથિત ઈરાની કુર્દિશ અલગતાવાદીઓના ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા હતા.
ઈરાની કુર્દોને નિશાન બનાવ્યા
ન્યૂઝ એજન્સી રોઇટર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બુધવારે ડ્રોન હુમલામાં ઇરાકી કુર્દિસ્તાનમાં સુલેમાનિયા નજીક ઓછામાં ઓછા 10 ઈરાની કુર્દિશ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અમેરિકી સેનાએ ડ્રોન તોડી પાડ્યું
ઈરાની કુર્દિશ વિપક્ષના વરિષ્ઠ સભ્ય કોમલાએ રોઇટર્સને જણાવ્યું હતું કે તેમની ઘણી ઓફિસો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં એક સગર્ભા મહિલા સહિત બે લોકોના મોત થયા છે. તેમજ અન્ય 12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ગંભીર હાલતમાં એરબિલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.