મોંઘવારીમાં મધ્યમવર્ગીય ગૃહિણીઓ પરેશાન, શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો
- ભારે વરસાદના કારણે વાવેતરને નુક્સાનથી શાકભાજીનો પુરવઠો ઘટયો
- લીલા કોથમીરના ભાવ રૂ. 200 તો ટામેટાંના ભાવ કિલોનાં 160 રૂપિયા
- દૂધી, તુરીયાં, ચોળી સહિતના શાકભાજીનાં વાવેતરને પાણી ભરાઇ જતાં નુક્સાન
ગુજરાત રાજ્યમાં કારમી મોંઘવારીમાં મધ્યમવર્ગીય ગૃહિણીઓ પરેશાન છે. જેમાં શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો થયો છે. વરસાદના પગલે આવક ઘટતાં શાકભાજીના ભાવોમાં 100 %નો વધારો થયો છે. તેમજ લીલા કોથમીરના ભાવ રૂ. 200 તો ટામેટાંના ભાવ લાલચોળ, કિલોનાં 160 રૂપિયા થયા છે. દૂધી, ભીંડા, કારેલાંના ભાવ પણ વધી ગયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ, જાણો કયા થયો જળબંબાકાર
ભારે વરસાદના કારણે વાવેતરને નુક્સાનથી શાકભાજીનો પુરવઠો ઘટયો
ભારે વરસાદને પગલે સપ્લાય ઘટતાં શાકભાજીના ભાવોમાં સો ટકા સુધીનો વધારો થતાં ગૃહિણીઓ પરેશાન થઇ ઉઠી છે. ચોમાસામાં લીલાં શાકભાજી મોંઘા થયાં છે. અઠવાડિયા-દસ દિવસમાં જ ભાવ વધી ગયા છે. કારમી મોંઘવારીમાં મધ્યમવર્ગીય ગૃહિણીઓ લીલા શાકભાજીના બદલે બટાકા ખરીદવા મજબૂર થઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ લગભગ તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. બંન્ને જિલ્લાઓમાં શાકભાજીનું વાવેતર સારા પ્રમાણમાં થતું હોય છે. પરંતુ સાંબેલાધાર વરસાદના કારણે ખેતરોના ખેતરો જળબંબાકાર થઇ ચૂક્યાં છે.
આ પણ વાંચો: રાજકોટમાં જ્વેલર્સ ગ્રુપ પર ITનું મેગા સર્ચ, જાણો અધિકારીઓને શું મળ્યું
દૂધી, તુરીયાં, ચોળી સહિતના શાકભાજીનાં વાવેતરને પાણી ભરાઇ જતાં નુક્સાન
દૂધી, તુરીયાં, ચોળી સહિતના શાકભાજીનાં વાવેતરને પાણી ભરાઇ જતાં નુક્સાન થયું છે. બીજી તરફ સામાન્ય સંજોગોમાં પણ ચોમાસામાં શાકભાજીના સપ્લાયની સમસ્યા રહેતી હોય છે. ત્યારે ખેતરોમાં પાણી ભરાઇ જતાં શાક માર્કેટમાં પુરવઠો ઘટયો છે. પરંતુ સામે માગ રહેતાં શાકભાજીના ભાવોમાં એક અઠવાડિયામાં જ સો ટકા સુધીનો વધારો નોંધાયો હોવાનું શાકભાજીના છૂટક વિક્રેતાઓનું કહેવું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર માટે લેવાયો મહત્ત્વનો નિર્ણય, ગ્રાહકોને થશે ફાયદો
ચોમાસામાં ઉની ઉની રોટલી ને કારેલાંનું શાક ખાવાની કહેવત છે. પરંતુ કારેલાં પણ કેવી રીતે ખરીદવા ? તે ગૃહિણીઓ માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે. પુરવઠો ઘટતાં રૂ.૩0નાં કિલો મળતાં કારેલાં આજે રૂ. 80એ પહોંચી ગયા છે. આમ ગુણકારી કડવાં કારેલાં રસોઇમાં દૂર્લભ બન્યાં છે. બીજી તરફ ચોમાસામાં મહિલાઓ શાકભાજીની સાથે લીલા મસાલા તરીકે કોથમીર અને મરચાં લેતી હોય છે. પરંતુ 60ના કિલો મળતાં મરચાં બમણાં ભાવે એટલે કે રૂ. 120માં વેચાઇ રહ્યાં છે. તો લીલી કોથમીરે રેકોર્ડ તોડયા હોય તેમ રૂ.80ના સીધા રૂ.200 સુધી પહોંચી ગઇ છે.