Microsoft lay-offs: હજારો કર્મચારીઓ આજથી ઘર ભેગા, શું છે કારણ?
વિશ્વવ્યાપી મંદીનાં વાદળ પછી, મોટી ટેક કંપનીઓ તેમની ઓફિસોમાં છટણીનો રાઉન્ડ ચલાવી રહી છે. ટ્વિટર, મેટા અને અન્ય ટેક કંપનીઓ બાદ હવે માઇક્રોસોફ્ટ અનિશ્વિત મેક્રોઇકોનોમિક કન્ડીશન્સના કારણે મોટા પ્રમાણમાં છટણીની તૈયારીઓ કરી રહી છે. વૈશ્વિક ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ તેના હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે. માઇક્રોસોફ્ટ આજથી 11,000 કર્મચારીઓ અથાર્ત 5% વર્કફોર્સને છુટા કરી શકે છે. આ છટણીથી મોટાભાગે એન્જિનિયરિંગ અને એચઆર ડિવિઝનના લોકો પ્રભાવિત થશે.
માઇક્રોસોફ્ટમાં હજારો ભૂમિકાઓ ઘટાડવામાં આવી રહી છે . ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં માઇક્રોસોફ્ટે તમામ ડિવિઝનમાંથી 1000 કર્મચારીઓની છટણી કરી હતી. ગ્લોબલ આઉટલુકને જોતાં એમેઝોન, મેટા જેવી અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓ પહેલેથી જ છટણી કરી રહી છે. હવે તેમાં લેટેસ્ટ નામ માઈક્રોસોફ્ટનું છે, જે તેના કર્મચારીઓને પિંક સ્લિપ આપવા જઈ રહ્યું છે. માઈક્રોસોફ્ટમાં 30 જુન સુધી કુલ 2,21,000 ફુલ ટાઈમ કર્મચારીઓ હતા, તેમાંથી 1,22,000 કર્મચારીઓ અમેરિકામાં અને 99,000 કર્મચારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા છે.
જાયન્ટ ટેક કંપની કેમ કરી રહી છે છટણી?
માઈક્રોસોફ્ટે કોરોના સમયગાળા દરમિયાન ઘણી ભરતી કરી હતી અને હવે કંપની તેની સામાન્ય કામગીરી પર પરત ફરી રહી છે. માઇક્રોસોફ્ટ પર તેનો નફો જાળવી રાખવાનું દબાણ વધી રહ્યું છે કારણ કે તેનું ક્લાઉડ યુનિટ Azure સતત કેટલાંક ક્વાર્ટરથી નુકશાનનો સામનો કરી રહ્યું છે. પર્સનલ કમ્પ્યૂટરના માર્કેટ પરના નકારાત્મક વલણની અસર માઇક્રોસોફ્ટના વિન્ડોઝ અને ડિવાઇસનાં વેચાણ પર જોવા મળી રહી છે.
નડેલાએ આપ્યા હતા સંકેત
માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાએ થોડા સમય પહેલા સંકેત આપ્યા હતા કે કંપનીના કામકાજમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે માઇક્રોસોફ્ટ ગ્લોબલ ચેન્જીસ માટે ઇમ્યુન નથી. આગામી બે વર્ષ ટેક કંપનીઓ માટે એક ચેલેન્જ બની રહેશે.
આ પણ વાંચોઃ તો શું ગુજરાતમાં રિલિઝ થશે ‘પઠાણ’ ફિલ્મ ? રાજ્ય સરકાર અને મલ્ટીપ્લેક્સ એસોશિયેશન વચ્ચે થઈ બેઠક