ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

માઇક્રોસોફ્ટે કર્યો મોટો દાવો, ચીન AI દ્વારા ભારતની લોકસભાની ચૂંટણીને પ્રભાવિત કરવાની તૈયારીમાં

વોશિંગ્ટન (અમેરિકા), 06 એપ્રિલ: ચીન ભારત, અમેરિકા અને સાઉથ કોરિયામાં આવનારી ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-જનરેટેડનો ઉપયોગ કરી શકે છે. આ અંગે માઇક્રોસોફ્ટે દાવો કર્યો છે. તાઇવાનના પ્રમુખની ચૂંટણી દરમિયાન પરિણામોને પ્રભાવિત કરવા માટે ચીને AIનો ઉપયોગ કર્યા બાદ આ ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના ઓછામાં ઓછા 64 દેશોમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દેશો વૈશ્વિક વસ્તીના લગભગ 49% હિસ્સો ધરાવે છે. જેમાં AIનો ઉપયોગ ખતરા સમાન માનવામાં આવે છે.

ચીન AI દ્વારા ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે

અમેરિકા સ્થિત કંપની માઇક્રોસોફ્ટે કહ્યું કે ભારતમાં સામાન્ય ચૂંટણી દરમિયાન ચીન AI ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને ચૂંટણીમાં દખલગીરી કરી શકે છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન હેકિંગના પ્રયાસો અંગે પણ ચેતવણી આપી છે. માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર, ચીન સરકારના સાયબર જૂથો આ વર્ષે યોજાનારી મહત્વપૂર્ણ ચૂંટણીઓને નિશાન બનાવશે અને સાઉથ કોરિયા પણ આમાં ભૂમિકા ભજવી શકે છે. કંપનીનું કહેવું છે કે, આ વર્ષે સમગ્ર વિશ્વમાં મોટી ચૂંટણીઓ થઈ રહી છે. ખાસ કરીને ભારત, સાઉથ કોરિયા અને યુએસમાં, અમારું મૂલ્યાંકન એ છે કે ચીન AI પર સામગ્રી જનરેટ કરી રહ્યું છે.

તાઇવાનની ચૂંટણીમાં પ્રથમ વખત AIનો ઉપયોગ

કંપનીનું કહેવું છે કે AI હેકર્સ માટે એક મોટું હથિયાર બની ગયું છે, જે સરળતાથી વીડિયો સાથે છેડછાડ કરી શકે છે. AIની મદદથી પ્રખ્યાત હસ્તીઓના અવાજને બદલી શકાય છે અને મોટા પાયે જાહેરમાં શેર કરી શકાય છે, જે તેને વાયરલ થવામાં અને લાખો લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2024માં તાઇવાનની પ્રમુખની ચૂંટણીને અસ્થિર કરવા માટે AI સામગ્રીનો ઉપયોગ કરાયો હતો. સરકાર સમર્થિત AI-જનરેટેડ સામગ્રી સાથે વિદેશી ચૂંટણીને પ્રભાવિત કરવાનો આ પ્રથમ પ્રયાસ હતો. મીમ્સ, વીડિયો અને ઓડિયોને પ્રમોટ કરવા માટે ચીન સતત આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે.

માઇક્રોસોફ્ટે રિપોર્ટ જાહેર કર્યો

શુક્રવારે કંપનીની થ્રેટ ઇન્ટેલિજન્સ ટીમ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરાયો હતો. જે મુજબ અમેરિકન ટેક ફર્મે કહ્યું હતું કે, ચાઇનીઝ સાયબર જૂથ 2024માં હાઇ-પ્રોફાઇલ ચૂંટણીઓને નિશાન બનાવશે, જેમાં સાઉથ કોરિયા પણ સામેલ હશે. માઇક્રોસોફ્ટે કહ્યું કે ચીન સોશિયલ મીડિયા દ્વારા AI-જનરેટેડ કન્ટેન્ટ બનાવશે અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરશે જેનો તેમને ચૂંટણીમાં ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં લોકસભા ચૂંટણી માટે 19મી એપ્રિલથી મતદાન શરૂ થશે. છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂન 2024ના રોજ થશે અને પરિણામ 4 જૂને આવશે.આ કારણે માઇક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે ચીન આ વર્ષે ભારતમાં ચૂંટણીને પલટાવવા માટે AIનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો: અરુણાચલ મુદ્દે ચીનની હરકત પર ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું- ‘વાસ્તવિકતા બદલાશે નહીં’

Back to top button