પાકિસ્તાન સામે રમવા કરતાં IPLમાં રમવું વધુ સારું રહેત: માઈકલ વોન
26 મે, મુંબઈ: જ્યારે ઇંગ્લેન્ડના ખેલાડીઓ IPL છોડીને દેશ પરત જવાની વાત કરી રહ્યા હતા ત્યારે જ BCCIએ ECBને વિનંતી કરી હતી કે ઇંગ્લેન્ડના ખેલાડીઓને IPL Playoffs રમવા દો, પરંતુ ECB માન્યું ન હતું. હવે પૂર્વ ઇંગ્લેન્ડ કેપ્ટન માઈકલ વોન ખુદ કહી રહ્યા છે કે IPL છોડીને ઇંગ્લેન્ડ જવું તે ઇંગ્લેન્ડના ખેલાડીઓની ભૂલ છે.
માઈકલ વોન એક ઓસ્ટ્રેલિયન યુટ્યુબ ચેનલની ચર્ચામાં ભાગ લઇ રહ્યા હતા. આ ચર્ચામાં પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર આડમ ગીલક્રીસ્ટ પણ સામેલ હતા. આ ચર્ચામાં માઈકલ વોને કહ્યું હતું કે IPLની મેચોમાં જે પ્રેશર અને ક્રાઉડની ભાગીદારી હોય છે તે પાકિસ્તાન સામેની મેચોમાં નથી જોવા મળતું.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ એવું બિલકુલ નથી કહેતા કે IPL એ દેશ કરતાં ઉપર છે, પરંતુ જે સ્તરે IPL રમાઈ રહી છે તેનાથી ઘણા નીચલા સ્તરે ઇંગ્લેન્ડની પાકિસ્તાન સામેની સિરીઝ રમાઈ રહી છે. માઈકલ વોનનું કહેવું હતું કે જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ), વિલ જેક્સ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) અને ફિલ સોલ્ટ (કોલકાતા નાઈટ રાઈડર્સ) જો IPL Playoffs રમવા માટે રોકાઈ ગયા હોત તો તે આવનારા T20 World Cup માટે તેમની શ્રેષ્ઠ પ્રેક્ટીસ બની ગઈ હોત.
માઈકલ વોનનું એમ પણ કહેવું હતું કે તેઓ પોતાનું આ નિવેદન આપીને પાકિસ્તાનની ક્રિકેટ ટીમના સ્તરનું પણ અપમાન નથી કરી રહ્યા પરંતુ જે સત્ય છે તે એ જ છે કે IPLના પ્લેઓફ્સમાં રમવાનું જે દબાણ હોય છે તે આ દ્વિપક્ષીય સિરીઝ રમવામાં નથી હોતું.
અગાઉ ઇંગ્લેન્ડ ટીમના હાલના કેપ્ટન જોસ બટલરે જ ECB સમક્ષ પ્રસ્તાવ રાખ્યો હતો કે T20 વર્લ્ડ કપની યોગ્ય તૈયારી કરી શકાય એટલે IPL રમતા ઇંગ્લેન્ડના તમામ ખેલાડીઓને દેશ પરત બોલાવી લેવામાં આવે. ECBએ જોસ બટલરની વાત માની લીધી હતી અને વર્લ્ડ કપની ટીમમાં સિલેક્ટ થયેલા તમામ ઈંગ્લીશ ખેલાડીઓ ગયા અઠવાડિયે જ ઘરભેગા થઇ ગયા હતા.
પરંતુ જ્યારે માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામેની પહેલી T20I વરસાદને કારણે ધોવાઈ ગઈ ત્યારે ખુદ જોસ બટલરે જ કહ્યું હતું કે એવો નિયમ હોવો જોઈએ કે જ્યારે પણ IPL ચાલુ હોય ત્યારે કોઇપણ દ્વિપક્ષીય સિરીઝનું આયોજન ન કરવામાં આવે.