13 મે, ચેન્નાઈ: ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસ્સીએ ગઈકાલે રવિન્દ્ર જાડેજાની વિકેટ પડ્યા બાદ ઊભા થયેલા વિવાદ અંગે કહ્યું છે કે આ નિર્ણય કોઈ પણ તરફ જઈ શકતો હતો. જાડેજા IPLના ઇતિહાસમાં ત્રીજો એવો ખેલાડી બની ગયો છે જેને Obstructing the fieldના નિયમ હેઠળ આઉટ આપવામાં આવ્યો હોય.
જાડેજા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે રન લેતી વખતે ઉભી થયેલી ગૂંચવણને કારણે આ રીતે આઉટ થયો હતો. જાડેજા બીજો રન લેવા માંગતો હતો પરંતુ ગાયકવાડે તેને અડધે રસ્તેથી પરત મોકલ્યો હતો. આવામાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અને વિકેટ કીપર સંજુ સેમસનના સ્ટમ્પ તરફ ફેંકવામાં આવેલા થ્રોની વચ્ચે જાડેજા આવી જતા તેને આઉટ આપવામાં આવ્યો હતો.
જાડેજાની વિકેટ પડ્યા બાદ સોશિયલ મીડિયા અને નેશનલ મીડિયા બંનેમાં વિવાદ ઉભો થયો હતો. આ બાબતે હસ્સીએ કહ્યું હતું કે, ‘મેં બહુ ધ્યાન આપીને આ વિકેટ જોઈ નથી. તે (જાડેજા) પરત ફર્યો હતો એટલે તેણે પોતાની દિશા બદલી હતી. પરંતુ દોડતી વખતે તેણે પોતાની દિશા બદલી ન હતી. મને લાગે છે કે આ ઘટનાની બે બાજુ છે. હું સમજી શકું છું કે અમ્પાયરોએ આ નિર્ણય કેમ આપ્યો. નિયમ કહે છે કે તમે તમારી દોડવાની દિશા બદલી ન શકો, એટલે, કદાચ આ યોગ્ય નિર્ણય જ હતો.’
ગઈકાલની મેચ અત્યંત લો સ્કોરિંગ હતી આ બાબતે પીચની પણ ઘણી ટીકા કરવામાં આવી હતી. આ અંગે હસ્સીએ કહ્યું હતું કે, ‘આપણે ટુર્નામેન્ટના અંતભાગ તરફ પહોંચી ગયા છીએ આથી પીચો થોડી ધીમી તો થવાની જ છે. પરંતુ મને તો આ મેચમાં મજા આવી, કારણકે આ બહુ નજીકનો મામલો બની ગયો હતો. આવી પીચો પર તમારી ક્રિકેટ રમવાની ક્ષમતાની પરીક્ષા થતી હોય છે, અને જે રીતે રાજસ્થાનના બોલરોએ બોલિંગ કરી તેણે આ વાત સાબિત કરી દીધી છે.’
બીજી તરફ રાજસ્થાન રોયલ્સના કોચ કુમાર સંગાકારાએ જણાવ્યું હતું કે, ‘નિયમ કહે છે કે જો બેટ્સમેન પોતાની દિશા બદલે અને થ્રોની લાઈનમાં આવી જાય તો તેને obstruction ગણવામાં આવે છે. જો તમે થ્રો અને સ્ટમ્પસની વચ્ચે આવો છો તો તમે આ નિયમનો ભંગ કર્યો છે તે સ્પષ્ટ છે. તે (જાડેજા) જે જગ્યાએ પરત ફરવા માટે ટર્ન થયો તે જ દિશામાં જો તે દોડ્યો હોત તો તે આઉટ ન ગણાત.’
આ પણ વાંચોઃ નવજોત સિંહ સિદ્ધુએ ધોનીને યુગપુરુષ કહ્યો; જાણો કેમ?