અમદાવાદમાં રાજ્યની સૌ પ્રથમ મેટ્રો સેવા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલીઝંડી આપી શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે શહેરમાં દોડતી થઈ ગઈ છે. તેવામાં આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે દૂરથી આવતા લોકો પોતાના વાહન લઈને આવે તો તેને ક્યાં પાર્ક કરવું તેની ઘણી મુશ્કેલીઓ સર્જાતી હતી. જેને લઈને આજે મહાનગરપાલિકા અને મેટ્રોના અધિકારીઓ વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેટ્રો માટે પેઈડ તેમજ ફ્રિ પાર્કિંગ પ્લેસ નક્કી કરવામાં આવ્યા છે.
કુલ 18 પાર્કિંગ જાહેર કરાયા, હાલ 5 ફ્રિ રહેશે
દરમિયાન આજે મેટ્રો સ્ટેશનની આસપાસ આવેલા પે એન્ડ પાર્ક અથવા પાર્કિગ સ્થળમાં નાગરિકો પાર્કિંગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રૂટ પર 18 જેટલા પાર્કિંગ સ્થળ આવ્યા હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 18 પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે તેમાં કેટલાક એવા સ્થળ છે જે મેટ્રો રૂટથી 500 મીટર દૂર છે. આ અંગે મળતી માહિતી મુજબ થલતેજથી વસ્ત્રાલ સુધીના મેટ્રો રૂટમાં નજીકમાં આવેલા 18 જેટલા પે એન્ડ પાર્ક અથવા પાર્કિગ પ્લોટ જેમાં આગામી દિવસોમાં ટેન્ડર બહાર પાડી અને કોન્ટ્રાક્ટ આપવાનો છે તે પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. 18 જેટલા પાર્કિંગ સ્થળ જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં 13 જેટલા પાર્કિંગ સ્થળ પે એન્ડ પાર્ક છે જ્યારે પાંચ જેટલા સ્થળોએ આગામી દિવસોમાં પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે. ત્યાં સુધી લોકો ફ્રીમાં એવી જગ્યાએ પાર્ક કરી શકશે.
13 પેઈડ પાર્કિંગની યાદી
ગુજરાત કોલેજ રેલવે ઓવરબ્રિજ નીચે (બંને તરફ), રિલીફ રોડ મકરંદ દેસાઈ પાર્કિગ, લાલ દરવાજા GPO ઓફિસ પાસે, કાલુપુર કબૂતર ખાના પાસે, કાલુપુર ચોખા બજાર પાસે, ગુજરાત વિદ્યાપીઠથી ઇન્કમટેક્સ રોડ, ઇન્કમટેક્સથી સેલ્સ ઇન્ડિયા, શાહપુર મહેશ્વરી મિલ પ્લોટ, સ્ટેડિયમ સર્કલથી પંચવટી, નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિગ, ગુરુદ્વારાથી પકવાન ચાર રસ્તા, મીઠાખળીથી માઉન્ટ કારમેલ સ્કૂલ.
હાલના 5 ફ્રિ પાર્કિંગનું લીસ્ટ
હેલ્મેટ સર્કલ (હાલમાં ફ્રી પાર્કિગ), વસ્ત્રાલ રતનપુરા ગામ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ), વસ્ત્રાલ અર્પણ સ્કૂલ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ), વસ્ત્રાલ માધવ સ્કૂલ પાસે (હાલમાં ફ્રી પાર્કિગ), અખબારનગર અખદાનંદ સોસાયટી પાસે (હાલમાં ફ્રી પાર્કિગ).