અમદાવાદઉત્તર ગુજરાતગુજરાત

અમદાવાદીઓ ધ્યાન આપો, આવતીકાલે વસ્ત્રાલ ગામથી થલતેજ કોરિડોર પર મેટ્રો ટ્રેન 3 કલાક બંધ રહેશે

Text To Speech

અમદાવાદ, 12 ડિસેમ્બર 2023, શહેરની લાઈફ લાઈન તરીકે ઓળખાતી મેટ્રો ટ્રેન લોકોને હવે માફક આવી ગઈ છે. અપડાઉન કરતાં નોકરીયાતોને મેટ્રો સૌથી સરળ પબ્લિક ટ્રાન્સપોર્ટ લાગી રહી છે. ત્યારે કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ટુંક સમયમાં ચાલુ કરવાનું હોવાથી આવતીકાલે મેટ્રો રેલ સુરક્ષા કમિશ્નર ઈસ્ટ વેસ્ટ કોરિડોર(વસ્ત્રાલ ગામથી થલતેજ)નું નિરીક્ષણ કરશે. જેથી આ કોરિડોર પર બપોરે 2થી સાંજે 5 સુધી મેટ્રો સેવા બંધ રાખવામાં આવશે એવી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

નોર્થ સાઉથ કોરિડોર રાબેતા મુજબ ચાલુ રહેશે
મેટ્રો રેલ કોર્પોરેશનની યાદી પ્રમાણે માત્ર ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં બંને ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી મેટ્રો ટ્રેનનો પ્રસ્થાનનો સમય બપોરે એક વાગ્યાનો રહશે. સાંજે પાંચ વાગ્યાથી મેટ્રો રેલ સેવાઓ ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક પ્રમાણે ઉપલબ્ધ રહેશે.જ્યારે નોર્થ સાઉથ કોરિડોર (એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ) પર ટ્રેન સેવા રાબેતા મુજબના સમય પત્રક પ્રમાણે આખો દિવસ ચાલુ રહેશે.

તાજેતરમાં મુખ્યમંત્રીએ મેટ્રો ફેઝ-2નું નિરીક્ષણ કર્યું હતું
તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફેઝ-૨ મોટેરાથી ગાંધીનગરના રૂટ પર સી-૨ પ્રોજેક્ટના સાડા 6 કી.મી માર્ગ પર નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીએ આ રૂટ પરના ભાઇજીપુરાથી ચ ૨ સુધીના ધોળાકુવા,રાંદેસણ, ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં થઈ રહેલી નિર્માણ કામગીરીની પ્રગતિની જાત માહિતી સ્થળ મુલાકાત કરીને મેળવી હતી.મુખ્યમંત્રીએ ત્યાર બાદ વિસતથી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલના રૂટ પર થઈ રહેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને ટેકનિકલ વિગતો મેળવી હતી.

આ પણ વાંચોઃ અયોધ્યાના રામ મંદિરના મહંતનો ફોટો વાયરલ કરનાર કોંગ્રેસ આઈટી સેલનો કર્મચારી ઝડપાયો

Back to top button