ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ગરમી હજુ વધશે, હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું

Text To Speech

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં છે, જેને પગલે રાજ્યના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અકળાવનારી આ ગરમીથી હજુ રાહત મળવાના કોઈ એંધાણ હાલ દેખાતા નથી. હવામાન વિભાગે આ ગરમી હજુ વધશે તેવી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર, જ્યારે બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા
અમદાવાદમાં રવિવારે 44 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ છેલ્લા એક સપ્તાહમાં બીજીવાર બન્યું છે. ત્યારે આગામી બે દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં દસ વર્ષમાં મે મહિનામાં ગરમીનો પારો 44ને પાર થયો હોય તેવુ ઓછામાં ઓછુ સાત વર્ષે બન્યું છે.

રાજ્યમાં કયાં કેવી પડી રહી છે ગરમી?
રાજ્યના અન્ય શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 44.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. વડોદરામાં ગરમીનો પારો 43.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

રાજકોટમાં ગરમી 42.3 ડિગ્રી નોંધાઈ હતી. અમરેલીમાં 42.2 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી અને ડિસામાં 41.6 ડિગ્રી ગરમી રેકોર્ડ થઈ હતી. ભૂજમાં ગરમીનો પારો 41.2 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 40.5 ડિગ્રી અને સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

દેશભરમાં આ વર્ષે ઉનાળો આકરો
સામાન્ય રીતે મે માસના બીજા અઠવાડિયમાં લૂ લાગતી હોય છે. પરંતુ આ વર્ષે તો એપ્રિલ માસથી જ લૂ લાગવાની શરૂઆત થઇ ગઇ હતી. એકબાજુ દેશભરમાં પ્રચંડ ગરમી પડી રહી છે. ઉત્તર ભારતમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં ઉનાળો વધુને વધુ આકરો જોવા મળી રહ્યો છે.

Back to top button