ગુજરાતટોપ ન્યૂઝ

હવામાન વિભાગની આગાહીઃ 20-21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં હળવાંથી મધ્યમ વરસાદી ઝાપટાંની શક્યતા, ભારે પવન ફૂંકાશે

Text To Speech

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મંગળવારથી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં 20 એપ્રિલના રોજ વાદળિયા વાતાવરણ વચ્ચે 20થી 25 કિલોમીટરની ઝડપના પવનો ફુંકાશે, તેમજ ગરમીનો પારો 2 ડિગ્રી ગગડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાંની શક્યતા
સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.3 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારથી ગુરુવાર દરમિયાન અમદાવાદના વાતાવરણમાં પલટો આવશે, જેમાં 20 એપ્રિલે વાદળિયા વાતાવરણ વચ્ચે ધુળની ડમરી અને 20થી 25 કિલોમીટરની ગતિના પવનો ફૂંકાવા સાથે કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાંની પણ શક્યતા છે. સોમવારે અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. વાતાવરણમાં પલટાના કારણે ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રમાં માવઠું થઈ શકે છે.

ચરોતરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉત્તર-પશ્વિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનના પગલે ચરોતર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. આણંદ-ખેડા જિલ્લાના કેટલાંક વિસ્તારમાં 20મી એપ્રિલના રોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ અને 21મી એપ્રિલના રોજ કેટલાંક વિસ્તારમાં ગાંજવીજ સાથે વરસાદી ઝાપટાંની સંભાવના છે.

ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટાંની આગાહી
અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, તા.20 મીથી ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાતાં વાદળ ઘેરાવાની શરૂઆત થઇ શકે છે. 21 અને 22 એપ્રિલના રોજ 40થી 75 ટકા સુધી આકાશ કાળાં વાદળોથી ઘેરાઇ શકે છે. તા.21 મીએ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં, જ્યારે તા.22 મીએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હળવા કમોસમી વરસાદની શક્યતા છે.

Back to top button