Meta ચાર મહિનામાં બીજીવાર કર્મચારીઓની છટણી કરશે, આ વખતે 10 હજારની નોકરી જશે !
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ બીજી વખત સામૂહિક છટણીની તૈયારી કરી છે. આ વખતે કંપની 10,000 કામદારોને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ પોતે આની જાહેરાત કરી છે. મેટાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે તેની ટીમમાંથી આશરે 10,000 કર્મચારીઓને કાપી શકે છે અને અંદાજે 5,000 વધારાની ઓપન પોઝિશન્સ બંધ કરવાની અપેક્ષા પણ રાખે છે. ઉલ્લેખનીય છે કે કંપની ચાર મહિના પહેલા જ લગભગ 11 હજાર કર્મચારીઓને ઘરનો રસ્તો બતાવી ચૂકી છે.
સીઇઓએ છટણી તરફ ધ્યાન દોર્યું
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કંપનીમાં મોટી છટણી કરવાનો સંકેત આપ્યો છે. ઝુકરબર્ગે કર્મચારીઓને એક સંદેશમાં જણાવ્યું હતું કે, “અમે અમારી ટીમમાં આશરે 10,000 કર્મચારીઓને ઘટાડવાની અને અંદાજે 5,000 વધારાની ઓપન પોઝિશન્સ બંધ કરવાની અપેક્ષા રાખીએ છીએ,” ખરેખર, મેટા ભવિષ્યવાદી મેટાવર્સ વિકસાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરી રહી હોવાથી, કંપની ઊંચી ફુગાવા અને વધતા વ્યાજ દરોનો સામનો કરી રહી છે. ઉપરાંત, કંપની મહામારી પછીની મંદી સામે પણ લડી રહી છે.
અગાઉ 11 હજાર લોકોની છટણી કરવામાં આવી હતી
આ પહેલા પણ ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ ગયા વર્ષે નવેમ્બરમાં લગભગ 11,000 લોકોની છટણી કરી હતી. કંપનીના ઈતિહાસમાં તે સૌથી મોટી છટણી હતી. મહત્વનું છે કે સપ્ટેમ્બરના અંતમાં કંપનીએ કહ્યું હતું કે મેટામાં કુલ 87 હજાર કર્મચારીઓ કામ કરે છે. બગડતી અર્થવ્યવસ્થાને કારણે કોર્પોરેટ અમેરિકામાં મોટાપાયે નોકરીઓમાં ઘટાડો થવા લાગ્યો છે. તેમાં ગોલ્ડમૅન સૅશ અને મોર્ગન સ્ટેન્લી જેવી વૉલ સ્ટ્રીટ બૅન્કોથી લઈને એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક ફર્મ્સનો સમાવેશ થાય છે. છટણીની ટ્રેકિંગ સાઇટ અનુસાર, 2022 ની શરૂઆતથી ટેક વર્લ્ડે 280,000 થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. જેમાંથી આ વર્ષે લગભગ 40 ટકા કામગીરી થઈ છે.