Twitterના કિલ્લામાં ઘુસવાની Metaની તૈયારી, જાણો- શું છે પ્લાન P92
Meta કથિત રીતે Twitter સાથે કોમ્પિટીશન કરવા માટે એક નવી એપ લાવવા જઈ રહ્યું છે. આ એપ ActivityPub પર આધારિત હશે, જે વિકેન્દ્રિત સોશિયલ નેટવર્કિંગ પ્રોટોકોલ છે. તેનો ઉપયોગ માસ્ટોડોન દ્વારા પણ કરવામાં આવે છે, જે પોતે ટ્વિટરની હરીફ છે.ફેસબુકની પેરેન્ટ કંપની Meta માઇક્રોબ્લોગિંગ સાઇટ Twitter સાથે સ્પર્ધા કરવા માટે એક નવા પ્લેટફોર્મ પર કામ કરી રહી છે. Meta કથિત રીતે ટેક્સ્ટ-આધારિત અપડેટ્સ પોસ્ટ કરવા માટે Twitter જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન બનાવી રહી છે. રિપોર્ટ અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે આ પ્રોજેક્ટનું કોડનેમ ‘P92’ છે, જેમાં યુઝર્સ તેમના હાલના ઈન્સ્ટાગ્રામ આઈડીથી લોગ-ઈન કરી શકે છે.
નવા પ્લેટફોર્મની જરૂર કેમ
કંપની સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, “અમે ટેક્સ્ટ અપડેટ્સ શેર કરવા માટે એક સ્વતંત્ર વિકેન્દ્રિત સામાજિક નેટવર્ક પર કામ કરી રહ્યા છીએ. અમે માનીએ છીએ કે એક અલગ પ્લેટફોર્મની જગ્યા છે, જ્યાં ક્રિએટર્સ અને પબ્લિક સેલિબ્રિટીશ તેમના રસના વિષય મુદ્દે શેર કરી શકે છે.”
અપડેટ શું
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરી આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રોડક્શન હજુ પણ તેના પ્રાઈમરી ફેઝમાં છે અને કોઈ રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો મુજબ, મેટાની કાનૂની ટીમ અને નિયમનકારી ટીમે પહેલેથી જ એપ્લિકેશનની આસપાસની તમામ ગોપનીયતાની ચિંતાઓને તપાસવાનું શરૂ કરી દીધું છે.
ટ્વિટરની સમસ્યાઓ વધી
એલોન મસ્ક દ્વારા માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરનું સંપાદન કરવામાં આવ્યું ત્યારથી, ટ્વિટરના કેટલાક હરીફ પ્લેટફોર્મ્સે હેડલાઈન્સ બનાવી છે, જેમાં માસ્ટોડોન, પોસ્ટ.ન્યૂઝ અને ટી2નો સમાવેશ થાય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, ઇન્સ્ટાગ્રામે નોટ્સ નામની નવી સેવા રજૂ કરી હતી, જે યુઝર્સને ફક્ત ટેક્સ્ટ અને ઇમોજીનો ઉપયોગ કરીને 60 લેટર્સ સુધીની ટૂંકી પોસ્ટ શેર કરવાની મંજૂરી આપે છે.
જેક ડોર્સી લાવ્યા તેમનું પ્લેટફોર્મ
આ બધાની વચ્ચે, આ મહિનાની શરૂઆતમાં, ટ્વિટરના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ CEO જેક ડોર્સી પણ સોશિયલ મીડિયા ગેમમાં પાછા ફર્યા છે. ડોર્સીએ ટ્વિટરના હરીફ તરીકે ‘Bluesky’ લોન્ચ કરી. આ પ્લેટફોર્મ હાલમાં પરીક્ષણના તબક્કામાં છે અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.