Meta CEO માર્ક ઝકરબર્ગ યુએસ સેનેટની સામે થયા શર્મસાર, જાણો કેમ માંગવી પડી માફી?
અમેરિકા, 01 ફેબ્રુઆરી : Metaના ખરાબ અને અયોગ્ય કન્ટેન્ટના કારણે ઘણા પરિવારો દ્વારા ‘મેટા’ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, બાળકોને નુકસાન ન થાય તે માટે મેટા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગને યુએસ સેનેટની સામે આ કેસની સુનાવણી દરમિયાન શર્મસાર થવું પડ્યું હતું. સાથેજ, સેનેટના સીધા, સપાટ અને સ્પષ્ટ પ્રશ્નોનો સામનો કરતાં તેમના હોશ ઉડી ગયા હતા. તેમજ, યોગ્ય રીતે જવાબ પણ આપી શકતા ન હતા. સાથે જ, તેને પીડિત પરિવારોની જાહેરમાં માફી પણ માગી હતી. તો ચાલો જાણીએ આ કેસ વિશે વિગતવાર…
કેપિટલ હિલના હાઉસ ફ્લોર પર સુનાવણી દરમિયાન, મેટા સીઇઓ ઝકરબર્ગને કહેવામાં આવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર 13 થી 15 વર્ષની વયની 37 ટકા છોકરીઓ એક અઠવાડિયામાં વાંધાજનક કન્ટેન્ટના સંપર્કમાં આવી હતી. આ અંગે તેમને પૂછવામાં આવ્યું કે આવી સ્થિતિમાં તેમણે શું પગલાં લીધા અને કોને નોકરીમાંથી કાઢવામાં આવ્યા? આ સવાલ અનેકવાર પૂછવામાં આવ્યા પછી માર્ક ઝકરબર્ગે કહ્યું- હું આનો જવાબ આપવાનો નથી. મને નથી લાગતું કે આ વિશે વાત કરવી યોગ્ય રહેશે.
વકીલે કયા પ્રશ્નો પૂછ્યા?
વકીલ જોશ હોલીએ સવાલ પૂછતી વખતે મેટાના બોસને એ પણ પૂછ્યું કે શું તમને ખબર છે કે પાછળ કોણ બેઠું છે? આ દેશના એ લોકો છે જેના બાળકોને સોશિયલ મીડિયાના કારણે કાં તો નુકસાન થયું છે અથવા તો જીવ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં એ મુદ્દા પર વાત કરવી જરૂરી બને છે કે, તમારા દ્વારા શું પગલાં લેવામાં આવ્યાં અને કોને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા. તેમજ, તમારા તરફથી કોઈ પીડિતને વળતર આપવામાં આવ્યું છે?
ઝકરબર્ગે શું આપ્યો જવાબ?
માર્ક ઝકરબર્ગે જવાબ આપતા કહ્યું કે, મને એવું નથી લાગતું. વકીલે તેમને આ બાબતે અટકાવ્યા અને પૂછ્યું, શું તમને નથી લાગતું કે આ માટે તેમને વળતર મળવું જોઈએ? આ અંગે Meta ના CEOએ કહ્યું કે, અમારું કામ એવા સાધનો બનાવવાનું છે જે લોકોને સુરક્ષિત રાખે. અમે અમારા કામને ગંભીરતાથી લઈએ છીએ અને ખાતરી કરીએ છીએ કે તે ટૂલ્સ હાનિકારક વસ્તુઓ શોધે, તેને ત્યાંથી દૂર કરે અને એવા સાધનો વિકસાવે કે જેનાથી બાળકોના માતા-પિતાને સશક્ત બનાવે.
જ્યારે ઝકરબર્ગએ આ વાત કહી ત્યારે વકીલે તેને કડક સ્વરમાં કહ્યું, ન તો તમે કોઈ પગલાં લીધાં. ન તો કોઈને નોકરી માંથી કાઢ્યા અને ન તો એક પણ પીડિત પરિવારને વળતર આપ્યું. હવે મને કહો કે પીડિતોના પરિવારજનો આજે અહીં હાજર છે, શું તમે આ લોકોની માફી માંગી છે?” આ સાંભળીને માર્ક ઝકરબર્ગ સ્તબ્ધ થઈ ગયા. ત્યારબાદ, મેટાના સીઈઓ પોતાની સીટ પરથી ઉભા થઈને પાછળ ફર્યા અને પીડિતોના પરિવારોની માફી માંગી.
આ પણ વાંચો : અમેરિકાના H-1B વિઝા માટે નવો નિયમ, ભારતીયોને ફાયદો થશે?