ટ્રેન્ડિંગસ્પોર્ટસ

મેસ્સી મેજિક : આર્જેન્ટિના આઠ વર્ષ બાદ પહોંચ્યું ક્વાર્ટર ફાઇનલમાં

કતાર ખાતે ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપની હોટ ફેવરિટ ટીમ આર્જેન્ટિનાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધુ છે. આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ એકદમ રોમાંચિત રહી હતી. આ મેચમાં આર્જેન્ટિનાએ ભારે સંઘર્ષ કરી 2-1થી જીત મેળવી હતી. હવે તે અંતિમ-8માં નેધરલેન્ડની ટીમ સામે ટકરાશે.

આ પણ વાંચો : ભૂતપૂર્વ દિગ્ગજ ફૂટબોલર પેલેની હાલત નાજુક, દુનિયાભરના લોકો કરી રહ્યા છે પ્રાર્થના

આર્જેન્ટિના માટે આ મેચમાં કેપ્ટન લિયોનેલ મેસ્સી અને યુવા સ્ટાર જુલિયન અલ્વારેઝે ગોલ કર્યા હતા. મેસ્સીએ મેચનો પ્રથમ ગોલ 35મી મિનિટે કર્યો હતો. સિનિયર લેવલ પર મેસ્સીની આ 1000મી મેચ હતી. તેણે પોતાની યાદગાર મેચમાં ગોલ કરીને ટીમને જીત અપાવી હતી. તેણે તેની 1000 મેચોમાં 779 ગોલ અને 338 આસિસ્ટ કર્યા છે.

ગોલકીપર માર્ટિનેઝે આર્જેન્ટિનાને બચાવ્યું 

મેસ્સીના ગોલની મદદથી આર્જેન્ટિનાની ટીમ પહેલા હાફમાં 1-0થી આગળ હતી. જ્યારે જુલિયન અલ્વારેઝે બીજા હાફમાં ગોલ કર્યો હતો. મેચની 77મી મિનિટે ઓસ્ટ્રેલિયાનું નસીબ ખુલતું જોવા મળ્યું હતું. જ્યારે તેના ખેલાડી ક્રેગ ગુડવિને શોટ માર્યો ત્યારે બોલ આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડિસને વાગ્યો અને ગોલપોસ્ટમાં ગયો આ રીતે ફર્નાન્ડિસે આત્મઘાતી ગોલ (Own Goal) કર્યો હતો. આ પછી ઈન્જરી ટાઈમના અંતે ઓસ્ટ્રેલિયાને તક મળી, પરંતુ આર્જેન્ટિનાના ગોલકીપર એમી માર્ટિનેઝે તે ગોલને રોકી અને ટીમને જીત અપાવી.

આર્જેન્ટિના 10મી વખત ક્વાર્ટર ફાઇનલમાં

આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડ કપના ઈતિહાસમાં 10મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. અત્યાર સુધી તેઓ ચાર વખત ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા છે. 1966, 1998, 2006 અને 2010ના ક્વાર્ટર ફાઇનલમાં તેમનો પરાજય થયો હતો. ટીમ ક્વાર્ટર ફાઇનલમાં જીત્યા બાદ દરેક વખતે ફાઇનલમાં પહોંચી છે. તે ક્યારેય સેમિફાઇનલમાં હારી નથી. આર્જેન્ટિના બે વખત ફાઈનલ જીતી અને ત્રણ વખત રનરઅપ રહી છે.

આઠ વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં

આ મેચમાં જીત સાથે ટીમ આર્જેન્ટિના આઠ વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. આર્જેન્ટિના છેલ્લે 2014માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ તેણે બેલ્જિયમને 1-0થી હરાવ્યું. પછી સેમિફાઇનલમાં, નેધરલેન્ડ્સ સામેની મેચ 0-0 થી ટાઈ થઈ હતી અને પેનલ્ટી શૂટઆઉટમાં જીતી હતી. ફાઇનલમાં આર્જેન્ટિનાનો જર્મની સામે પરાજય થયો હતો. તે ટુર્નામેન્ટમાં લિયોનેલ મેસ્સી કેપ્ટન હતો. આ વખતે નોકઆઉટ મેચમાં આર્જેન્ટિનાની ટીમ ફરી એકવાર નેધરલેન્ડ સામે ટકરાશે.

Back to top button