અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

મહેસાણા: ખેડૂતો પાસેથી વાહન દીઠ 6000ની લાંચ લેતો ઇસમ ઝડપાયો; વેચાણ અર્થે આવેલી મગફળીમાં ખામી ન કાઢવા રકમ મેળવતો

Text To Speech

12 જાન્યુઆરી 2025 મહેસાણા; જિલ્લાના રતલાસણા તાલુકાના એપીએમસી માર્કેટ ખાતે આસપાસના ગામડા તાલુકામાંથી મગફળી સહિત જેવા પાકો ટેકાના ભાવે વેચાણ અર્થે આવતા હોય છે. જેમાં સહકારી મંડળીના અધિકારીઓના ઇશારે ખેડૂતો પાસેથી લાંચ લેવામાં આવતી હોય તેવી બાતમી એન્ટીકરપ્શન બ્યુરોને મળી હતી. જે બાદ યોગ્ય પુરાવા આધારે તપાસ હાથ ધરતા તમામ ખેડૂતો પાસેથી વેચાણ અર્થે આવતા પાકોમાં ખામી ન કાઢવા માટે અમુક ચોક્કસ પ્રકારની રકમ મેળવતો ખાનગી વ્યક્તિ એસીબીના હાથે ઝડપાયો હતો.

સહકારી મંડળીના માણસો દ્વારા લાંચ લેવાની બાતમી
એસીબી અધિકારીના જણાવ્યા મુજબ સતલાસણા એ.પી.એમ.સી ગોડાઉન ખાતે ટેકાના ભાવે MPSથી મગફળીની ખરીદી થતી હોય છે. જે મગફળી ખરીદનાર સહકારી મંડળીના માણસો દ્વારા જુદા જુદા બહાના હેઠળ ખેડૂતો પાસેથી કોઈ ખામી નહીં કાઢી મગફળી ખરીદ કરવા વાહન દીઠ રુપિયા 2000 થી 6000 સુધીની લાંચની માંગણી કરતા હોય તેવી ચોક્કસ બાતમી મળી હતી.

વાહન દીઠ 6000 મેળવતો, ખાનગી ઈસમ ઝડપાયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદીએ અમોને આપેલા આધાર પુરાવા મુજબ તેમને સાથે રાખી શક્યતા તપાસતા એ.પી.એમ.સી ગોડાઉન સતલાસણા ખાતે આરોપી કલ્યાણજી ઉર્ફે કલાજી મસાજી ઠાકોર જે ખાનગી વ્યક્તિ તરીકે કાર્ય કરતો હતો. તેણે ફરિયાદી ખેડૂતની મગફળી કોઈ ખામી કાઢ્યા વગર ટેકાના ભાવે ખરીદવા લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી 5000ની લાંચની માગણી કરી હતી. જે બાદ રકઝકના અંતે 4000 રૂપિયા સ્વીકારી લાંચના છટકા આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો.

કોના ઇશારે લાંચ મેળવતો, યોગ્ય તપાસ જરૂરી
અત્રે ઉલ્લેખનીય છે કે એસીબીએ આ અંગે 2000 થી 6,000 સુધીની લાંચ મેળવતા ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે. ત્યારે આ કયા અધિકારીઓના ઇશારે લાંચ મેળવતો અને ક્યાં સુધી પહોંચાડતો? તે અંગે નીચેથી લઈને ઉપર સુધીની તપાસ થાય છે કે કેમ? અને જો એમાંથી કોઈ વહીવટી તંત્રના અધિકારીને મિલી ભગત સામે આવે છે તો આવા અધિકારીઓ પર કાર્યવાહી થાય છે કે કેમ? તે જોવાનું રહ્યું!

Back to top button