ગઈ કાલે રાજ્યના અનેક જિલ્લમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 91 તાલુકાઓમાં સામાન્યથી અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં આટલો વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 91 તાલુકાઓમાં સામાન્યથી અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ બેચરાજીમાં 2.65 ઈંચ વરસાદ, દાંતા અને અમદાવાદ શહેરમાં સરેરાશ 2.14 ઈંચ વરસાદ , વડગામ અને ચાણસ્મામાં 2 ઈંચથી વધુ વરસાદ , જોટાણા, બાવળા, કલોલ, વડાલી, શિહોર, નડિયાદ, કડી, પેટલાદ સહિતના તાલુકાઓમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો.
ગઈ કાલે અમદાવાદમા ધોધમાર વરસાદ
ગઈ કાલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હતું ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ગઈકાલે સાંજે અચાનક અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.નોંધનીય છે કે અમદાવાદમાં રવિવારે સાંજે તૂટી પડેલા ધોધમાર વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ અમદાવાદમાં વરસાદ સાથે કરા પણ પડ્યા હતા.
આજે આ વિસ્તારમા વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આગામી 3 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામા આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં તેમજ પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : ખેડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, 8 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે