આ વર્ષે મેઘરાજા ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહેરબાન થયા છે. આ વર્ષે દેશના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં પણ સર્વત્ર વરસાદ વરસ્યો છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં પણ વરસાદ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવાર અને સોમવારે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. દિક્ષણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળી શકે છે. ભાવનગરથી લઇને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. આગામી બે-ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે.
રાજ્યમાં સતત વરસાદને લઇને નદીઓ, ડેમ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.67 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક 2,80,398 ક્યુસેક છે. જ્યારે 23 દરવાજા મારફતે 2,15,000 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ રહી છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 43,649 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં પાણીની જાવક 21,219 ક્યુસેક છે. આમ, નદીમાં પાણીની કુલ જાવક 2,58,649 ક્યુસેક છે.
વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલને પગલે હાલર તળાવ ઓવરફ્લો થયો છે. જેને કારણે આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તળાવ ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. જેના કારણે પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વાપી, વલસાડ, કપરાડામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો : રાજ્યના ADGP બ્રહ્મભટ્ટ સહિત 23 IPS અધિકારીઓની બદલી , જાણો કોને ક્યાં મુકાયા ?