સુરતઃ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સુરત જિલ્લામાં મેઘ મહેર યથાવત રહી છે. ગતરોજ ઉમરપાડા અને માંગરોળમાં ભારે વરસાદ પડ્યો હતો. જો કે, ગત મોડી રાતથી સવાર સુધીમાં માંગરોળ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકા અને સુરત શહેરમાં હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. મેઘાવી માહોલ હોવાના કારણે હજુ પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બીજી તરફ ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમની સપાટી વધીને 323.55 ફૂટ જેટલી નોંધાઈ છે.
વરસાદી ઝાપટાં યથાવત
સુરત શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જો કે આજે મોડીરાતથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. જેના કારણે કતારગામ અને ઉધના 3-3 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના માંગરોળમાં 56 મિમિ અને મહુવા તાલુકા 38 મિમિ વરસાદ પડ્યો છે.
ઉકાઈની સપાટીમાં વધારો
ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક સતત વધી રહી છે. ગઈકાલે ઉકાઈ ડેમમાં બે લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થતી હતી. જેમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે ઉકાઈમાં પાણીનો ઈન્ફ્લો 36,605 ક્યુસેક થયો છે. જેની સામે ડિસ્ચાર્જ ઘટાડીને 800 ક્યુસેક કરવામાં આવ્યું છે. હાલ ઉકાઈની સપાટી વધીને 323.55 ફૂટ જેટલી નોંધાઈ છે.