રાજ્યના વિવિધ વિસ્તારોમા મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એક વાર આગાહી કરવામા આવી છે. જેમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદની શક્યત હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે હાલ રાજ્યમાં ભારે વરસાદમની શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જો કે, અમદાવાદ સહિત ઘણા ભાગોમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હળવો તેમજ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
આજે દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે
ગઈકાલે રાતે અને આજે સવારે પણ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજે હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.આજે દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે દરિયામાં ભારે પવનો અને દરિયો તોફાની રહેવાની સંભાવનાના કારણે આગામી 5-7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો : મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને રાહત પર પુર્ણેશ મોદીએ શું કહ્યું ?
જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી ?
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું હતુ કે બંગાળની ખાડીમાં બનેલા ડીપ ડિપ્રેશનનો ઘેરોવો વધુ છે માટે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે 5 અને 6 ઓગસ્ટે ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે પંચમહાલ, વડોદરા, આહવા, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં વરસાદ
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ, તાપીના નિઝરમાં 1 ઈંચ વરસાદ, નર્મદાના સાગબારામાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઓલપાડ, લુણાવાડા, માંગરોળ, વાપી, કુકરમુંડા, કપરાડા, કામરેજ, અંકલેશ્વરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સરેરાશ 80 ટકા વરસાદ
મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 251માંથી 152 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ 135.78 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : રાજ્યમાં એક મહિનામાં જ 1,5,000નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી