ગુજરાતમાં મેઘમહેર; વિસાવદરમાં આભ ફાટ્યું, જામનગર-અમદાવાદમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના એસજી હાઇવે વિસ્તારમાં થોડી જ વારમાં ચાર પાણી જ પાણી કરી નાંખ્યું છે. તો વિસાવદરમાં બારે મેઘ ખાંગા થતાં 8 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. તે સિવાય જામનગરમાં 8 ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા હતા.
મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યના 117 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે પણ મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે. ચોમાસાના 15 દિવસમાં જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતના 117 તાલુકામાં વરસાદ
સવારના 8થી બપોર પછીના 4 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરમાં 8 ઈંચ, અંજારમાં 8 ઈંચ, કપરાડામાં 5 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વંથલીમાં 4 ઈંચ અને ગાંધીધામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જૂનાગઢની ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી મટિયાણા ગામમાં પાણી ઘૂસી ગયાં છે. ઓઝત નદીમાં ઘોડાપૂરને કારણે બામણાસા ગામમાં એક મકાન પાણીમાં ધરાશાયી થયું છે. અંજારના નાગલપર પાસે નદીમાં ઘોડાપૂર આવતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ
હવામાન વિભાગનાં ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે લો પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં આગામી 24 કલાક વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામન્ય વરસાદની સંભાવના છે. તો નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી રહેલી છે, જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી રહેલી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. સમગ્ર ગુજરાત 229.2 MM વરસાદ નોંધાયો છે. અત્યારસુધી જેટલો પડવો જોઈએ એના કરતાં રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે.
સાંજના છ વાગ્યા પછી અમદાવાદના પહેલાદનગર સહિતના એસજી હાઇવેના પટ્ટાવાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વિસ્તારોમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો તે અંગેની તો માહિતી સામે આવી નથી પરંતુ હોડી પાણીમાં તરી શકે તેટલો પાણી રોડ-રસ્તાઓમાં ભરાઇ ગયા હતો. તેથી અંદાજ કાઢવામાં આવે તો ચાર-પાંચ ઇંચ વરસાદ થોડી જ વારમાં ખાબકી ગયો હતો. ધોધમાર વરસાદના કારણે આ તમામ વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો.
આ પણ વાંચો :Amit Shah : ઉદયપુરમાં સભા દરમિયાન ગૃહમંત્રીએ પૂર્વ CM વસુંધરા રાજેનું વધાર્યું માન, જાણો કેવી રીતે ?