ગુજરાતટોપ ન્યૂઝ

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, મોડાસાના સુરાતનપુરા પાસે યુવાન પર ઝાડ પડતા મોત

Text To Speech

મહેસાણાઃ મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણેક દિવસથી દરરોજ મેઘરાજા પધરામણી કરે છે. ત્યારે ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. જેમાં મોડાસા અણિયોર રોડ ઉપર સુરાતનપુરા પાસેથી બાઇક લઈ પસાર થઈ રહેલા માલપુરના ખલીકપુરના 25 વર્ષીય યુવાન ઉપર અચાનક વૃક્ષ તૂટી પડતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે શોકની લાગણી છવાઈ હતી.

મેઘરજ પંથકમાં વાવાઝોડાએ તારાજી સર્જી
મેઘરજના ઇપલોડામાં રાકેશભાઈ વાળંદની બે દુકાનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે મંગુભાઇ રણછોડભાઈ પટેલનો પતરાનો શેડ વાવાઝોડામાં ઊડતા 300 ફૂટ જેટલાં દૂર ફંગોળાઈને પડ્યો હતો. ઇપલોડા પીસાલ, સિસોદરા કંભરોડા સહિતના અનેક ગામોમાં મકાનોની છત, શેડ, અને ઘરના નળિયા સહિત અનેક મકાનો, તબેલા અને શેડને વાવાઝોડામાં મોટા પ્રમાણમા નુકસાન થયું હતું. પીસાલમાં વાવઝોડામાં ઘરના નળિયા અને છત ઉડી જતાં અસરગ્રસ્ત રહીશોના મકાનમાં ઢીંચણસમા પાણી ભરાતા અનાજ અને ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું.

મહેસાણા જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વરસાદ
વિજાપુર પંથકમાં વાવાઝોડા સાથે સાંજે 4થી 6માં પોણો ઇંચ (18 મીમી), જ્યારે સાંજે 6 થી 8માં કડીમાં 6 મીમી વરસાદ ખાબક્યો હતો. મહેસાણામાં પણ પવનના સુસવાટા સાથે ઝરમર વરસી હતી. વિજાપુર શહેરમાં એકાએક વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતાં મણિપુરા રોડ વિસ્તારમાં અંબર સોસાયટીમાંથી પસાર થતી બોરની વીજ લાઇનના સળંગ થાંભલા સહિત ઝાડ પડી જતાં વરસાદથી બચવા ઝાડ નીચે બેઠેલા બાળકો, યુવાનો ત્યાંથી હટી જતાં બચી ગયા હતા. દરમિયાન, હવામાન ખાતાની આગાહી મુજબ સોમવારે ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

વીજ સપ્લાય બંધ કરી દેવાતાં જાનહાનિ ટળી
વિજાપુરની અંબર સોસાયટી વિસ્તારમાંથી ખેડૂતોના બોરની વીજ લાઇન પસાર થાય છે. જે દૂર કરવા રજૂઆતો કરવા છતાં લાઇન હટાવાઇ નથી. પરિણામે ક્યારેક જીવલેણ દુર્ઘટના સર્જાવાનો ભય રહે છે. આજે થાંભલા પડી જતાં વીજ વિભાગે તુરંત વીજ સપ્લાય બંધ કરી દેતાં જાનહાનિ ટળી હતી. જોકે, વીજ વિભાગની વીજ કાપ મૂકી ચોમાસા પહેલાં કરાતી કામગીરીની પોલ પહેલા જ વરસાદે ખૂલી ગઇ હતી.

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો
બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના દાંતા અને પાલનપુર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. બનાસકાંઠામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ પાલનપુર તેમજ દાંતા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દાંતામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈ એક વૃક્ષ ધરાશાય થયું હતું.

સારો વરસાદ આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે
હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો નથી. જેથી ખેડૂતો વાવણીની રાહ જોઈ બેઠા છે. ગત વર્ષ દરમિયાન નહિવત વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સામે આવી છે. ત્યારે આ વર્ષે ખેડૂતો સારા વરસાદની પ્રાર્થના કરી રહ્યા છે. આ વર્ષ સારુ નીવડે અને સારો વરસાદ આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. અત્યારે સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેથી ખેડૂતો સહિત જિલ્લાવાસીઓને સાર્વત્રિક વરસાદની આશા સેવાઈ રહી છે.

 

Back to top button