ગુજરાત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન : સુરત – બારડોલી પાણીથી થયા તરબોળ
હવામાન વિભાગની આગાહી અનુસાર તા.10 સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાનો છે ત્યારે આ આગાહી સાચી ઠરતા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાનું આગવું રૂપ લઈ હેત વરસાવ્યો છે જેને કારણે સુરત અને બારડોલી પાણીથી તરબોળ થયા છે. લોકોને પણ ગરમીથી છુટકારો મળ્યો છે.
સવારમાં ઝાપટા બાદ બપોર પછી ચાર ઈંચ વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા
સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં સવારમાં વરસાદી ઝાપટા બાદ બપોર પછી બપોરના 2થી 6 સુધીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભાઠેના વિસ્તારમાં બ્રિજ પાસે રોડ પર પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી.
સલાબતપુરામાં આવેલી કાલીપુર આંબાવાડી પાસે કમર સુધી પાણી ભરાઈ ગયા
આ ઉપરાંત સલાબતપુરામાં આવેલી કાલીપુર આંબાવાડી પાસે કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી. અહી જાણે રસ્તો નહીં પણ તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ રૂપમ સિનેમા પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી હતી. આ ઉપરાંત ઉધના ગુરુદ્વારા પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. અહી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ખુબ હાલાકી પડી હતી. જ્યારે અર્ચના સ્કૂલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
બારડોલીમાં બપોર બાદ 3 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો
આ ઉપરાંત સુરત જિલ્લાના બારડોલીમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. બપોર બાદ 3 ઈંચ જેટલો વરસાદ પડતા સુગર ફેક્ટરી નજીક આવેલ ગરનાળામાં પાણી ભરાયા હતા, જે પાણીમાં કાર ફસાઈ હતી. બપોર બાદ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે નગરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાવા પામ્યા છે. તો બીજી તરફ સુગર ફેક્ટરી નજીક આવેલ ગરનાળામાં કમરડુબ પાણી ભરાયા હતા, જે પાણીમાં કાર પસાર થતા સમયે ફસાઈ હતી. કાર પાણીમાં તરતી થતા સ્થાનિકો તાત્કાલિક મદદે પહોંચ્યા હતા અને કારને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢી હતી. હાલ તંત્ર દ્વારા પણ જી.આર.ડી જવાનોને તે સ્થળે મૂકી માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. બારડોલીનાં ડી.એન નગર ખાતે ગોઠણસમાં પાણી ભરાયા હતા.
સુરત શહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં વહીવટી તંત્ર એલર્ટ
સમગ્ર સુરત જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થતાં તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણ સર્જાતા હજી પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. બે દિવસથી જિલ્લા કલેકટર દ્વારા તમામ તાલુકા કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા માટે સૂચન કરી દેવાયું છે.
ક્યાં કેટલો વરસાદ પડ્યો ? ડેમ વિસ્તારમાં તકેદારીની સૂચના
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પરંતુ વરસાદ રાત્રિથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં શહેરી વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 54 મિમિ વરસાદ વરસ્યો છે. જ્યારે ઉમરપાડા તાલુકામાં 45 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં બપોરના બે વાગ્યાથી છ વાગ્યા સુધીમાં 97 મિમિ વરસાદ પડ્યો છે. દરમ્યાન ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોના લો-લાઇંગ એરીયામાંથી તેમજ અન્ય નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પાત્ર થતા હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી અગાઉથી જ રાખવા લોકોને જણાવાયું છે. આ સાથે નદી પટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુના વિસ્તારમાં અવરજવર ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે.