ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યમાં સવારે 6 થી 8માં 31 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી ગીર સોમનાથ વેરાવળમાં અઢી ઈંચ વરસાદ, કોડિનારમાં અઢી ઈંચ વરસાદ, ભરુચના હાસોટમાં દોઢ ઈંચ વરસાદ અને ભાવનગરના મહુવામાં એક ઈંચ જેટલો વરસાદ છે.
દ્વારકામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 6.6 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે સમગ્ર દ્વારકા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે દ્વારકામાં જગત મંદિરનાં શિખરે અડધી કાઠીએ ધજા ફરકાવાઈ છે. અબોટી બ્રાહ્મણ પરિવારની સુરક્ષા માટે આ નિર્ણય લીધો હતો. વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી અડધી કાઠીએ ધજા ફરકાવાશે.
દ્વારકા પંથકમાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં
કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદથી પાણી પાણી બની ગયુ છે. તો દ્વારકામાં 4 અને ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. મૂશળધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં સર્વત્ર પાણી પાણી થઈ ગયુ છે. દ્વારકામાં અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા થયા છે. રાવલ-સુર્યાવદર વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બંધ થયો છે. સાની નદીમાં પૂર આવતા રસ્તાઓ બંધ થયા છે. લોકો જીવના જોખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે. ભારે વરસાદથી જિલ્લાના નદી, નાળા અને ચેકડેમો છલકાયા છે. તો બીજી તરફ સીમાની કાલાવડથી બારા તરફ જતાં માર્ગ પર પુલ પર પાણી ફરી વળતા લોકોને જીવના જોખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો છે.
ભારે વરસાદથી ખેતરો પાણી પાણી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાથી જિલ્લાના ખેતરો પાણી-પાણી બન્યા છે. ખંભાળિયાથી દ્વારકા જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદને લીધે ખેતરો તળાવ જેવા બની ગયા છે. વધુ વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે. આમ, સતત વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
આગામી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક ભારે પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો અમદાવાદમાં પણ શુક્રવારે ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં ભારે વરસાદ વરસી શકે છે.
તો આવતીકાલે સુરતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ,રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્ચમાં ભારે વરસાદ વરસી શકે છે.
શુક્રવારે સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી,નર્મદા, ભરૂચ અને દિવમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
શનિવારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે, જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.
NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય
ગાંધીનગરમાં મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની અને 5 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે.
વરસાદની આગાહીને પગલે રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યુ હતુ કે કચ્છમાં ગાંધીનગરથી NDRFની એક ટીમ મોકલવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય આણંદથી NDRFની ટીમ વલસાડ પહોંચી છે. જ્યારે SDRFની 11 ટીમો રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં સ્ટેન્ડબાય રખાઈ છે. જે પૈકી એક ટીમ પોરબંદર પહોંચી છે.