ગુજરાતટોપ ન્યૂઝ

આગાહી વચ્ચે મેઘ મહેર ! જાણો- કયા શહેરમાં કેટલો વરસાદ ?

Text To Speech

રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત તરફ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે 3 જુલાઈ સુધી ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ વરસાદનું જોર ઘટશે. જ્યારે આવતીકાલે અષાઢી બીજના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે. જેથી રથયાત્રામાં મેઘરાજા અમી છાંટણા વરસાવે તેવી આશા છે. સાથે જ પવનની ગતિ પણ સામાન્ય રહેવાની આગાહી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં આવતીકાલથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. માછીમારો માટે આગામી પાંચ દિવસ માટે કોઈ સૂચના નથી.

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 8 કલાકમાં 11 તાલુકામાં એકથી સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ડેડિયાપાડા અને માંગરોળમાં ત્રણ-ત્રણ ઈંચ, ગણદેવી અને કામરેજમાં અઢી-અઢી ઇંચ તો ધરમપુર અને નેત્રંગમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ, સુરત, તાપી, મહીસાગરમાં ધોધમાર વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાઇ ગયા હતા. તેમાં પણ વલસાડમાં તો એક જ સાથે 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે રસ્તા પર પાણી જ પાણી થઇ ગયા હતા. તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને અમરેલીમાં પણ વરસાદ વરસ્યો હતો.

સુરત શહેરના અનેક તાલુકામાં ભારે પવન સાથે વરસાદ

સુરતમાં સાર્વત્રિક વરસાદ
આગાહી વચ્ચે સુરત શહેરમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, કડોદરા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. બારડોલી નગરના પણ વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો ઝાપટાને કારણે વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો ધમાકેદાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરતના કામરેજ પંથકમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.

થોૂા
વલસાડમાં મોડી રાત્રે મેઘમહેર

વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. મોડી રાત્રે જિલ્લામાં સરેરાશ 6.5 ઈંચ વરસાદ ખાબકતાં મોટાભાગના વિસ્તારો જળ તરબોળ થઈ ગયા હતા. વલસાડ શહેરમાં તિથલ રોડ, એમ. જી રોડ, છીપવાડ, હાલાર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ, મોગરા વાડી વિસ્તાર અને રેલવે ગરનાળા, સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોની હાલાકીમાં વધારો થયો હતો. ધોધમાર વરસાદના કારણે વલસાડની નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદની ગતિ વધવાના કારણે નદી નાળા છલકાયા છે. શહેરની જનતાને પાણી પૂરું પાડતા વોટર વર્કસ ડેમ પણ છલકાઈ રહ્યો છે. ડેમમાં નવા નીર આવતા ચોમેર પાણી પાણી દેખાઈ રહ્યું છે

Back to top button