ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગર-દ્વારકામાં 5 દિવસથી મેગા ડિમોલિશન, 285 દબાણ હટાવાયા

  • ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ
  • અગાઉથી સર્વે કરીને દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી
  • 271 રહેણાંક અને 7 કોમર્શિયલ દબાણો હટાવાયા છે

જામનગર-દ્વારકામાં 5 દિવસથી મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે. જેમાં દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક સ્થાન સહિત 285 દબાણ હટાવાયા છે. વહીવટી તંત્ર અને પોલીસ ખાતાના સંકલનમાં પાંચ દિવસ દરમિયાન સંવેદનશીલ ગણાતા બન્ને જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર અને મધદરિયે આવેલા ટાપુઓ ઉપર 271 રહેણાંક અને 7 કોમર્શિયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરીને 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનું આજે રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે જાહેર કર્યું હતું.

ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ ધરાવે છે. અહિયાંથી દરિયાઈ માર્ગે દુશ્મન દેશ નજીક હોવાથી સરકાર દ્વારા દેશવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે ખાસ ડિમોલિશન ઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, તેમ જણાવીને રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે ઉમેર્યું હતું કે, બીજા તબક્કામાં ગત તા.11મીથી રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી છે. રાજકોટ રેન્જમાં આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યત્વે દરિયાકાંઠા વિસ્તાર અને મધદરિયે આવેલા ટાપુઓ પર ધર્મસ્થાનો સહિતની ગેરકાયદે પેશકદમી દૂર કરવામાં આવી છે.

અગાઉથી સર્વે કરીને દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી

મેગા ડિમોલિશન બાબતે વધુમાં જણાવ્યું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5 બંદરો, 55 લેન્ડીંગ પોઈન્ટ, 34 ટાપુઓ, 15 ફિશિંગ પોઈન્ટ અને 11 જેટી વિસ્તારમાં અગાઉથી સર્વે કરીને દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી અને તેઓ કોઈ આધાર-પુરાવા નહીં આપી શકતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનહાથ ધરવામાં આવ્યું હતું.

લોકોને રાજકોટ રેન્જ આઈજી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી

જામનગર જિલ્લામાં 3 બંદરો, 11 ટાપુઓ, 11 લેન્ડિંગ પોઇન્ટ, 3 જેટી અને 6 ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 પોર્ટ, 23 આઇલેન્ડ, 44 લેન્ડિંગ પોઇન્ટ, 8 જેટી અને 9 ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. જ્યાં પોલીસે વહીવટી તંત્રને સાથે રાખીને 271 રહેણાંક અને 7 કોમશયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરી 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. કોઈ જગ્યાએ દબાણ થતું હોય અથવા થયેલું હોય તો એ અંગે પોલીસને માહિતી આપવા પણ લોકોને રાજકોટ રેન્જ આઈજી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: વસ્ત્રાપુર રહેતા NRIના મોત અંગે ચોંકાવનારો ખુલાસો

Back to top button