અંબાજી ભાદરવી પૂનમના મેળાના એક્શન પ્લાન સંદર્ભે મીટિંગ યોજાઈ, કલેક્ટરે સૂચનો કર્યા


અંબાજી, 24 ઓગસ્ટ 2024, બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.૧૨ સપ્ટે. થી તા.૧૮ સપ્ટે. ૨૦૨૪ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. જે અંતર્ગત આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં એક્શન પ્લાન અંગે કલેકટર કચેરી પાલનપુર ખાતે મિટિંગ યોજાઈ હતી.
કલેક્ટરે કામોની સમીક્ષા કરી કેટલાક સૂચનો કર્યા
ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા તથા વાહનો મારફત આવનાર હોઈ મેળામાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને મેળાની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોને અલગ-અલગ કામગીરી સોંપવામાં આવેલ છે. અત્રેની મિટિંગમાં આ કામગીરી સુનિશ્ચિત ઢબે અને એક બીજાના સંકલનમાં રહીને થાય તે માટે દરેક વિભાગે બનાવેલ એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ મિટિંગમાં કલેકટર મિહિર પટેલે આરોગ્ય, સફાઈ, ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો અને સલામતી, પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા,રોડની મરામત અને સમારકામ જેવા વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામોની સમીક્ષા કરી કેટલાક સૂચનો કર્યા હતા.
સુવિધાઓ સરળતાથી મળી રહે તેના પર ખાસ ભાર મૂક્યો
કલેકટરે સમગ્ર મેળા દરમિયાન યાત્રિકોને કોઈપણ મુશ્કેલી ન પડે અને બધી સુવિધાઓ સરળતાથી મળી રહે તેના પર ખાસ ભાર મૂક્યો હતો. આ મિટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ આગામી ભાદરવી પૂનમ મહામેળાના સમગ્ર સંચાલન વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અત્રે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃબહુચરાજી મંદિરના પુનઃ નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ