ગુજરાત

જળ શક્તિ અભિયાન હેઠળ 75 ‘અમૃત સરોવર’ના નિર્માણ અંગે બેઠક મળી

Text To Speech

રાજકોટઃ જળ એ જ જીવન છે, જીવ માત્ર માટે જળ કેન્દ્રબિંદુ છે. જળ વગરની સૃષ્ટિની કલ્પના જ અશકય છે. આજના યુગમાં નિરંતર પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં પાણી માટે લડાઈ થતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવે છે. આ પરિસ્થિતિનું સર્જન કરનાર માનવી જ છે તો તેમાંથી માર્ગ પણ માનવીએ જ શોધવાનો છે. મોટા ભાગે આપણે પાણી વરસાદ દ્વારા મેળવીએ છીએ. આપણા વડીલો અને પૂર્વજોએ વરસાદી પાણીનો ખૂબ જ કુનેહપૂર્વક ઉપયોગ કર્યો છે જે આજે પણ આપણને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂર્ણ પાડે છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર કે જે માત્ર જળ સંચય જ નહીં પરંતુ મોડેલ સરોવર બને જ્યાં બ્યુટીફીકેશન સહિતની કામગીરી થાય તેવો નિર્દેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચોને સંબોધતા 75 ‘અમૃત સરોવર’નું નિર્માણ કરવાની હાકલ કરી હતી.

બેઠકમાં અધિકારીઓ સાથે વિવિધ સહકારી સંસ્થાઓ, ખાનગી બેન્ક તેમજ કો-ઓપરેટીવ બેન્કના અધિકારીઓ જોડાયા હતાં

પ્રધાનમંત્રી મોદીની હાકલને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને વહીવટી તંત્ર, મહાનગરપાલિકા તેમજ સહકારી સંસ્થાઓ, કો-ઓપરેટીવ બેંકો અને ખાનગી બેંકોના અધિકારીઓ સાથે બેઠક યોજવામા આવી હતી.જલ શક્તિ અભિયાન હેઠળ જન ભાગીદારી થકી તળાવોને ઉંડા ઉતારવા, બ્યુટીફીકેશન, વોક-વે સહિતનું તળાવ નિર્માણ પામે તે માટે કલેકટર દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, સી.એસ.આર. અંતર્ગત કંપનીઓ દ્વારા ફંડ આપી લોક ઉપયોગી કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે લોકો માટે પાણી પણ એટલું જ ઉપયોગી હોઈ ત્યારે જળ સંચય અભિયાનમાં લોકો જનભાગીદારીથી જોડાય તેમ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીદેવ ચૌધરીએ જણાવ્યું હતું.


આગામી 15 ઓગસ્ટના રોજ તળાવ કિનારે ધ્વજ વંદન કાર્યક્રમ કરી આ અભિયાનને દેશની આઝાદી સાથે પણ જોડવાનું પ્રેરણાદાયી સૂચન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર ન.આર.ધાધલ, પ્રાંત અધિકરીશ્રીઓ, ચીફ ઓફિસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, વિવિધ સહકારી સંસ્થાઓ, ખાનગી બેન્ક તેમજ કો-ઓપરેટીવ બેન્કના અધિકારીઓ જોડાયા હતાં તેમજ આ અભિયાનમાં સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી.

Back to top button