ભૂજઃ ધોરણ 10-12ની પરીક્ષાના એકશન પ્લાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ
ભૂજ (કચ્છ), 27 ફેબ્રુઆરી: આજે કલેકટર કચેરી ભૂજ ખાતે કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના એકશન પ્લાન અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. સમીક્ષા બેઠકમાં કલેકટરે શિક્ષણ વિભાગને પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય, ચીટીંગ ન થાય, સ્ટ્રોંગ રૂમ, પેપર ડિલિવરી, કંટ્રોલરૂમ, પોલીસ બંદોબસ્ત, વીજપુરવઠો સહિતની તમામ જરૂરી આયોજન અંગે તકેદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપી હતી.
11 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષા યોજાશે
બેઠકમાં પ્રાથમિક શિક્ષણાધિકારી વાઘેલા તથા નોડલ અધિકારી ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, 11 માર્ચથી પરીક્ષા શરૂ થશે. જેમાં ધોરણ 10 માટે ભૂજ, ગાંધીધામ, નખત્રાણા એમ ત્રણ તથા ધોરણ 12ની પરીક્ષાના આયોજન માટે ભૂજ અને ગાંધીધામ એમ બે ઝોન બનાવવામાં આવ્યા છે. ધો. 10 અને ધો.12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)માં નિયમિત, રિપીટર, ખાનગી, પૃથ્થક, ખાનગી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 11 થી 26 માર્ચ સુધી લેવામાં આવશે. જેનું વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે 10 માર્ચથી કંટ્રોલ રૂમ શરૂ કરાશે
બોર્ડની આ જાહેર પરીક્ષામાં કચ્છ જિલ્લામાં ધો.10માં 26140, ધો.12 (વિજ્ઞાનપ્રવાહ)માં 1606 તથા ધો.12 (સામાન્ય પ્રવાહ)માં 14952 વિદ્યાર્થીઓ મળી કુલ 42,698 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. છાત્રોના માર્ગદર્શન માટે જિલ્લાકક્ષાનો કંટ્રોલ રૂમ તા. 10 માર્ચથી શરૂ કરવામાં આવશે. જે સવારે 7.૦૦ થી રાત્રિના 7.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. તેમજ અન્ય માર્ગદર્શન માટે (02832) 250156નો સંપર્ક કરી શકાશે.
શાંતિમય વાતાવરણમાં છાત્રો પરીક્ષામાં આપી શકે તે માટે સંવેદનશીલ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત, CCTV કેમેરાની નજર તેમજ મેડીકલ ટીમ સહિત અન્ય જરૂરી વ્યવસ્થા ઊભી કરાશે. તેમજ કચ્છમાં સ્કવોર્ડ ટીમની રચના કરાઇ છે જે ચાંપતી નજર રાખશે. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, સંબંધિત વિભાગના અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન સાથે ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક જાહેર