ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં નિર્માણ પામ્યું ઔષધીય વન, શું છે વિશેષતા
ગુજરાત હાઇકોર્ટે પરિસરમાં જન્માષ્ટમીના પાવન પર્વે ઔષધીય વનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઔષધીય વન લોકાર્પણ અને ન્યાયિક સેવાઓ સંલગ્ન વિવિધ પ્રોજેક્ટસના લોન્ચિંગ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા હતા. 108 વનસ્પતિઓથી સજ્જ 200 વૃક્ષો ધરાવતું ઔષધીય વન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત હાઇકોર્ટના ચાર પ્રકલ્પો થકી જનકલ્યાણની યાત્રા અવિરત આગળ ધપાવવા બદલ સર્વેને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ન્યાયાધીશ અને ન્યાયાલય ન્યાય પ્રક્રિયા પૂરતું સીમિત છે, તેવી જનમાનસની માન્યતાથી ઉપર ઊઠીને ન્યાયાલય દ્વારા હાથ ધરાયેલ લોક ઉપયોગી વિવિધ પહેલ સામાન્યજન માટે પ્રેરણારૂપ બની રહેશે. કેદીઓ માટે મનૌવેજ્ઞાનિક અભિગમ સાથે કાઉન્સેલિગનો અભિગમ ન્યાયાધીશોની દરેક નાગરિક પ્રત્યેની સંવેદનશીલતા અને માનવીય સંવેદનાનો પરચો કરાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સ્વસ્થ શરીર શ્રેષ્ઠ જીવનનો આધાર હોવાનું જણાવી રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય શાસ્ત્રોમાં ધર્મ, અર્થ અને કર્મ દ્વારા જ મોક્ષ પ્રાપ્તિનો રસ્તો બતાવવામાં આવ્યો છે. સ્વસ્થ શરીર થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રકૃતિનું જતન અને સંવર્ધન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આયુર્વેદિક વન આ સંકલ્પના સાકાર કરવા મદદરૂપ બની રહેશે તેવો ભાવ પણ રાજ્યપાલએ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ કાર્યક્રમના માધ્યમથી ઉપસ્થિત તમામ લોકોને પાંચ વૃક્ષોને વાવીને તેનું જતન કરીને પ્રકૃતિનું સંવર્ધન કરવા અનુરોધ કર્યો હતો. માતૃભાષામાં શિક્ષણ અને ન્યાયનું મૂલ્ય અને મહત્ત્વ સમજાવતા હૃદયસ્પર્શી પ્રસંગોની પ્રસ્તુતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ન્યાયિક પ્રક્રિયાને માતૃભાષામાં અમલી બનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે જણાવ્યું કે, શ્રીકૃષ્ણનો જન્મ પણ જેલમાં થયો હતો. આજે ઘણી માતાઓ સાથે તેમનાં બાળકોને પણ જેલમાં રહેવું પડે છે. આવાં બાળકો શિક્ષણ કે વિકાસની તકથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવી જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું .જસ્ટિસ લલિતે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની સહાયથી જેલમાં કાર્યરત થયેલ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સેન્ટરની પહેલ દેશ માટે ઉદાહરણરૂપ સાબિત થશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.આર.શાહે ઉપસ્થિતોને જય શ્રી કૃષ્ણ સાથે સંબોધન કરીને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ભગવાન કૃષ્ણે ન્યાય માટે પોતાના મૂલ્યો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી. વંચિતો-પીડિતોને ન્યાય અપાવવા તેઓ હંમેશાં અગ્રેસર રહ્યા છે. આજરોજ હાઇકોર્ટમા કાર્યાન્વિત થયેલ ઔષધીય વન ‘તંદુરસ્ત સમાજથી સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ’ની પરિકલ્પના સાકાર કરશે. તેમણે સામાજિક-મનોવૈજ્ઞાનિક સેન્ટરના લોકાર્પણ સંદર્ભે કહ્યું કે, સમાજમાં થતા 70 થી 80 ટકા ગુનાઓ પરિસ્થિતિજન્ય હોય છે. જેથી ગુનેગારોને સજા થયા બાદ તેમનું પુન:વસન અને સુધારાના પ્રયત્નો પણ જરૂરથી થવા જોઈએ જે દિશામાં ગુજરાતની સાબરમતી જેલથી આજરોજ ઉદાહરણીય પહેલ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરત : મેહુલ બોઘરા પર થયેલા હુમલામાં પોલીસે કરી કડક કાર્યવાહી, TRB સુપરવાઈઝર ઘરભેગાં