વધતી જતી ગરમીમાં હીટ સ્ટ્રોકથી રક્ષણ મેળવવાના ઉપાયો
- વૃદ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, મજૂરી કામ કરનાર લોકોને હીટ સ્ટ્રોક થવાની સંભાવના વધુ છે
ગાંધીનગર, 29 માર્ચ, 2024: રાજ્યમાં ગરમી પ્રતિદિન વધી રહી છે. કેટલાક જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં હીટ વેવની સ્થિતિ સર્જાય તેવી શક્યતાને નકારી શકાય નહિ. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોક અથવા લૂથી રક્ષણ માટેના ઉપાયો જાણવા જરૂરી છે.
- હીટ સ્ટ્રોક શું છે?
ભારે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઊંચા સ્તર સુધી પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હીટ સ્ટ્રોકની પરિસ્થિતિ સર્જાય છે.
- હીટ સ્ટ્રોક કોના માટે વધુ જોખમકારક?
હીટ સ્ટ્રોકની વૃદ્ધો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, મજૂરી કામ કરનાર લોકો માટે વધુ જોખમકારક છે.
- ધ્યાન આપવા લાયક લક્ષણો
માથામાં દુખાવો; પરસેવો થવો; ચામડી લાલ, સૂકી અને ગરમ થવી; ઉલટી થવી; અશક્તિ અનુભવવી; આંખો લાલ થવી જેવાં લક્ષણો હીટ સ્ટ્રોકના છે.
- ગરમી/ હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાયો
ઉનાળાના દિવસોમાં વધુ પાણી પીવું; આલ્કોહોલ તથા કેફી પ્રવાહી ન પીવા; યોગ્ય સમયાન્તરે ન્હાવું; સફેદ, હલકા રંગના કપડાં પહેરવા; બંધ કારમાં બેસવાનું ટાળવું; તડકામાં વધુ પડતું બહાર રહેવાનું ટાળવા જેવા ઉપાયોથી હીટ સ્ટ્રોકથી બચી શકાય.
- હીટ સ્ટ્રોકની સારવાર
હીટ સ્ટ્રોકનાં લક્ષણો જણાય તો ઈમરજન્સી હેલ્પલાઈન ૧૦૮ ઉપર કોલ કરી તાત્કાલિક સારવાર મેળવી શકાય છે. જ્યાં સુધી મેડિકલ સેવા આવે ત્યાં સુધી નીચેની સૂચનાઓને અનુસરી શકાય.
- જે વ્યક્તિને હીટ સ્ટ્રોકનાં લક્ષણો જણાય તેમના પગ જમીનથી થોડા ઊંચા રહે તેમ સુવડાવો
- પંખાની સીધી હવા તેમના શરીર ઉપર આવે તે રીતે તેમને સુવડાવો
- દર્દીના બગલમાં, કમર પર તથા ગળાની નીચે ભીના કપડાં/ટુવાલ/બરફ મુકો
- વ્યક્તિને થોડું ઠંડું સાદુ પાણી પીવડાવો
આમ કરવાથી દર્દીને હીટ સ્ટ્રોકથી પ્રાથમિક રાહત મળી શકે છે. પરંતુ હીટ સ્ટ્રોકની પૂરતી સારવાર માટે ડૉક્ટરનો પરામર્શ આવશ્યક હોવાથી નજીકના દવાખાનાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
આ પણ વાંચોઃ સરકારની જાહેરાતઃ સાઉન્ડ લિમિટર વિનાના ડિજે ટ્રક અને સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ