સુરતનું અનોખુ રેસ્ટોરન્ટઃ ભોજન વેઈટર નહીં પણ ટોય ટ્રેન પીરસે છે
ગુજરાતની પ્રજા વેપારી છે એવું કહેવાય છે અને આ ગુજરાતી પ્રજા પોતાનો વેપાર-ધંધો ચલાવવા માટે, તેમાં સફળતા મેળવવા માટે સમયાંતરે વિવિધ પ્રકારની તરકીબો અપનાવે છે. સુરતના એક વેપારીએ થીમ આધારિત રેસ્ટોરન્ટ બનાવ્યું છે જેનું નામ “ટ્રેન એક્સપ્રેસ”આપ્યું છે. આ થીમ આધારિત રેસ્ટોરન્ટ સુરતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સુરતનું ભોજન અને કાશીનું મરણ સૌભાગ્યશાળીને મળે
સુરતના આ રેસ્ટોરન્ટમાં કોઈપણ પ્રકારના માનવ હસ્તક્ષેપ વિના રસોડામાંથી ટોય ટ્રેન મારફતે ભોજન સિધા ટેબલ પર પહોંચે છે. સુરત માટે કહેવાય છે કે, સુરતનું ભોજન અને કાશીનું મરણ એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. જો કે દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ પ્રકારની રેસ્ટોરન્ટ્સ છે. જે મહેમાનોને પોતાની તરફ આકર્ષવા માટે અલગ-અલગ પ્રકારના નુસ્ખા અપનાવે છે. પરંતુ સુરતનું આ રેસ્ટોરન્ટ હાલ ખુબ ચર્ચામાં છે. આ રેસ્ટોરન્ટના માલિકે એક અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત મહેમાનોને ટ્રેન દ્વારા ભોજન પીરસવામાં આવી રહ્યું છે.
આ થીમ આધારિત રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું કે, ખાસ ગ્રાહકોને આકર્ષવા માટે રેસ્ટોરન્ટ્સમાં આ ટ્રેન થીમ બનાવવામાં આવી છે. રેસ્ટોરન્ટમાં ટેબલના નામ પણ અલગ-અલગ રાખવામાં આવ્યા છે, સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોના નામ પરથી આ ટેબલોના નામ રાખવામાં આવ્યા છે. આ ટેબલો પર ગ્રાહકોની સામે ભોજન પીરસવામાં આવે છે. ટોય ટ્રેનના વિવિધ ડબ્બાઓ રોટલી, ભાત, કઢી, પાપડ સહિતની વાનગીઓથી ભરેલા હોય છે. આ રેસ્ટોરન્ટમાં આવનાર દરેક માણસને સંપૂર્ણ રેલ્વે સ્ટેશન જેવો માહોલ પુરો પાડે છે.