પૂણે સ્થિત કોરોના રસી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ.સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓને અહીંની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ડૉક્ટરોએ શુક્રવારે જણાવ્યું હતું કે 82 વર્ષીય પૂનાવાલાને ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો.
ગુરુવારે આવ્યો હતો હળવો એટેક
રૂબી હોલ ક્લિનિકના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પુરવેઝ ગ્રાન્ટે જણાવ્યું હતું કે સાયરસ પૂનાવાલાને હળવી કાર્ડિયાક અરેસ્ટ થઈ હતી અને તે ઝડપથી સાજા થઈ રહ્યા છે. હોસ્પિટલના કન્સલ્ટન્ટ અલી દારૂવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડૉ.સાયરસ પૂનાવાલાને 16 નવેમ્બરના રોજ હળવો કાર્ડિયાક અરેસ્ટ થયો હતો અને તેને શુક્રવારે સવારે રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યો હતો.
કોરોનાકાળમાં રસી બનાવી મદદરૂપ થયા
વધુમાં આ અંગે તેમણે કહ્યું કે ડૉ.પૂનાવાલાની એન્જિયોપ્લાસ્ટી ડૉ.પૂર્વેઝ ગ્રાન્ટ, ડૉ.મેકલે અને ડૉ.અભિજીત ખર્ડેકરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા અને તબિયત સારી છે. ઉલ્લેખનીય છે કે, ડૉ.સાયરસ પૂનાવાલા સાયરસ પૂનાવાલા ગ્રુપના ચેરમેન પણ છે, જેમાં રસી બનાવતી કંપની SII પણ સામેલ છે. તેમની કંપની દ્વારા કોરોનાકાળમાં રસી બનાવીને દેશના લોકોને મોટી વિપદામાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.