ગુજરાતટોપ ન્યૂઝ

હવે ગુજરાતમાં MBBSનું ભણતર ગુજરાતીમાં ભણાવાશે, જાણો શું કરી સરકારે જાહેરાત

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી MBBS ગુજરાતીમાં ભણાવાશે તેવી સરકારની જાહેરાત છે. જેમાં પુસ્તકો-અભ્યાસક્રમ ગુજરાતીમાં ઉપલબ્ધ કરાશે. તેમાં 15 સભ્યોની નિષ્ણાત કમિટી બનાવાઈ છે. તેમજ ટેક્સ્ટબુક તૈયાર કરવા અલગ જૂથ પણ કાર્યરત કરાયું છે. રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી એમબીબીએસનો અભ્યાસક્રમ પણ ગુજરાતીમાં ભણાવાશે અને કોર્સના પુસ્તકો પણ ગુજરાતીમાં ઉપલબ્ધ થશે, એવું સરકારી પ્રવક્તા-મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.

હજી સુધી એકમાત્ર MPમાં જ બે વિષયના પુસ્તકો હિન્દીમાં તૈયાર થયા

દેશમાં એક માત્ર મધ્યપ્રદેશ ખાતે એમબીબીએસના પ્રથમ વર્ષના માત્ર બે જ વિષયોના પુસ્તકોનું હિન્દીમાં રૂપાંતર થયું છે, જ્યારે રાજ્યમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં જ 10 વિષયોના પુસ્તકો સિલેબસમાં છે. મેડિકલ ફેકલ્ટીમાં કોઈ પાઠયપુસ્તકો અત્યારે ઉપલબ્ધ નથી એટલે પાઠયપુસ્તકો તૈયાર કરવામાં રોયલ્ટીનો પ્રશ્ન પણ નડી રહ્યો છે. કેમ કે, રેફરન્સ બૂકોમાંથી વિદ્યાર્થીઓને અત્યારે ભણાવવામાં આવે છે. નિષ્ણાંત તબીબો દ્વારા તૈયાર થયેલી હોય છે. આ તબીબોને રોયલ્ટી ચૂકવવી પડે તેમ છે. તેથી વિષય નિષ્ણાંત તબીબી શિક્ષકો મારફત અલગ અલગ વિષયના પાઠયપુસ્તકો તૈયાર કરવાનું નક્કી થયું છે.

નામાંકિત તબીબ શિક્ષકોનું અલગ ગ્રૂપ બનાવાયું

આ વર્ષથી એમબીબીએસના પહેલાં વર્ષમાં અભ્યાસક્રમ ગુજરાતીમાં રહેશે અને પાઠયપુસ્તકો પણ ગુજરાતીમાં ઉપલબ્ધ થશે, ત્યારબાદ ક્રમશઃ અન્ય વર્ષોનો અભ્યાસક્રમ તથા પુસ્તકો ગુજરાતીમાં કરાશે. એક પ્રશ્નના ઉત્તરમાં પ્રવક્તા-મંત્રીએ એવું જણાવ્યું હતું કે, અંગ્રેજી ભાષાનો વિકલ્પ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. દરમિયાન એમબીબીએસ અભ્યાસક્રમ સાથે સંકળાયેલા તજ્જ્ઞ સૂત્રના જણાવ્યા પ્રમાણે એમબીબીએસ અભ્યાસક્રમ અને પુસ્તકો ગુજરાતીમાં તૈયાર કરવા માટે વિવિધ મેડિકલ કોલેજોના ડીન, નર્સિંગ-ફિઝિયોથેરાપી કોલેજોના પ્રિન્સિપાલ તેમજ નિષ્ણાત તબીબોને સાંકળીને 15 સભ્યોની એક ટીમ બનાવાઈ છે, જેની એક મિટિંગ અત્યાર સુધી થઈ છે, સાથોસાથ ટેક્સ્ટબુક તૈયાર કરવા પણ નામાંકિત તબીબ શિક્ષકોનું અલગ ગ્રૂપ બનાવાયું છે. આ સૂત્રો આ વર્ષથી ગુજરાતી ભાષામાં પુસ્તકો-અભ્યાસક્રમ મળતા થવા અંગે સંશય વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે આ સમગ્ર પ્રક્રિયા સમય માગી લેવી અને મુશ્કેલ છે.

MBBSની પરીક્ષા ગુજરાતીમાં લેવા અંગે હજી પ્રવર્તતી અનિશ્ચિતતા

રાજ્યમાં આ વર્ષથી પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં ભણાવવાની મંત્રીએ જાહેરાત તો કરી દીધી છે, પણ એમબીબીએસની પરીક્ષા ગુજરાતીમાં લેવાશે કે કેમ તે હજી નક્કી થયું નથી. રાજ્ય સરકારે આ સંદર્ભે નેશનલ મેડિકલ કાઉન્સિલનું માર્ગદર્શન માગ્યું હોવાનું જણાવાઈ કહ્યું છે. આ સૂત્રો એમ પણ કહે છે કે, અભ્યાસક્રમ-પુસ્તકો ગુજરાતીમાં થઈ શકે, પરંતુ મેડિકલ ટર્મિનોલોજીનું ગુજરાતીકરણ શક્ય નથી એટલે ટર્મિનોલોજી યથાવત્ રખાશે અને શક્ય હોય ત્યાં સુધી તેનું ગુજરાતીકરણ કૌંસમાં દર્શાવવાનો પ્રયાસ થશે. એમબીબીએસની પરીક્ષામાં 50 ટકા પરીક્ષકો અન્ય રાજ્યમાં બોલાવવાનો નિયમ છે, આ નિયમ પણ ગુજરાતીકરણમાં આડે આવી રહ્યો છે.

Back to top button