ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માયાવતીની પાર્ટી BSPએ ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, PM મોદી સામે કોને ટિકિટ આપી? જાણો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક પરથી BSPએ અથર જમાલ લારીને મેદાનમાં ઉતાર્યા

નવી દિલ્હી, 16 એપ્રિલ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP)એ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. યાદીમાં 11 ઉમેદવારોના નામ સામેલ છે. પાર્ટીએ વારાણસીથી અથર જમાલ લારીને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે. આ સિવાય બસપાએ સપાના ગઢ મૈનપુરીથી પોતાનો ઉમેદવાર બદલ્યો છે. શિવ પ્રસાદ યાદવને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. સાથે જ બદાયૂંથી મુસ્લિમ ખાનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બાંદાથી મયંક દ્વિવેદી, ડુમરિયાગંજથી ખ્વાજા સમસુદ્દીન, જૌનપુરથી ધનંજય સિંહની પત્ની શ્રીકલા સિંહને ટિકિટ મળી છે.

BSPએ ડિમ્પલ યાદવ સામે મૈનપુરીથી શિવ પ્રસાદ યાદવને ટિકિટ આપી છે. માયાવતી મૈનપુરીમાં ડિમ્પલનો રસ્તો મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. શિવ પ્રસાદ યાદવ એકવાર ભરથાણાથી મુલાયમસિંહ યાદવ સામે વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. માયાવતીનો પ્રયાસ મૈનપુરીમાં યાદવ મતોને વહેંચવાનો છે.

માયાવતીએ સપા માટે મુશ્કેલી વધારી

શિવ પ્રસાદ યાદવ કમરિયા યાદવ છે, જ્યારે અખિલેશ યાદવ ઘોસી યાદવ છે. ભારતીય જનતા પાર્ટીએ અહીંથી ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી જયવીર સિંહને ટિકિટ આપી છે. મુલાયમ સિંહ યાદવના નિધન બાદ મૈનપુરીમાં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં ડિમ્પલ યાદવનો વિજય થયો હતો. બસપાએ બદાયૂંથી મુસ્લિમ ખાનને ટિકિટ આપી છે. આદિત્ય યાદવ અહીંથી સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ શિવપાલ યાદવના પુત્ર છે. શિવપાલએ અખિલેશ યાદવના કાકા છે. અહીં ગત વખતે અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવ ભાજપ સામે હારી ગયા હતા. અહીંથી ભાજપે દુર્વિજય સિંહ શાક્યને ટિકિટ આપી છે. બદાયૂંથી મુસ્લિમ ઉમેદવાર આપીને માયાવતીએ અખિલેશ પરિવારની મુસીબતો વધારી દીધી છે.

વારાણસીમાં બસપાએ અથર જમાલ લારીને ટિકિટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. અજય રાય કોંગ્રેસ તરફથી ઈન્ડિ એલાયન્સ વતી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. માયાવતીના મુસ્લિમ ઉમેદવારને કારણે મુસ્લિમ મતોના વિભાજનનો ભય છે. માયાવતીએ બલિયાથી લલન સિંહ યાદવને ટિકિટ આપી છે. રાજ્યસભા સાંસદ નીરજ શેખર અહીંથી ભાજપના ઉમેદવાર છે. સમાજવાદી પાર્ટીએ હજુ બલિયાથી ટિકિટ ફાઈનલ કરી નથી. ગત વખતે BSPના શ્યામ સિંહ યાદવ જૌનપુરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે બસપાએ જેલમાં બંધ બાહુબલી નેતા ધનંજય સિંહની પત્ની શ્રીકલા સિંહને ટિકિટ આપી છે. જેઓ જૌનપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ છે. અહીંથી ભાજપે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચુકેલા કૃપાશંકર સિંહને ટિકિટ આપી છે.

આ પણ જુઓ: ક્ષત્રિય સંમેલનની આગેવાની સામે સવાલ ઉઠ્યા, પદ્મિનીબા અને ગીતાબાનો ઓડિયો વાયરલ

Back to top button