રાજ્યસભા અધ્યક્ષની મજાક ઉડાવવી સંસદીય ઈતિહાસની શરમજનક ઘટના: માયાવતી
નવી દિલ્હી, 21 ડિસેમ્બર: બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. માયાવતીએ કહ્યું કે બંને સંસદમાંથી લગભગ 150 સાંસદોનું સસ્પેન્ડ થવું સંસદીય ઈતિહાસ માટે દુ:ખદ છે. આ ઉપરાંત, તેમણે સસ્પેન્ડેડ સાંસદોનો સંસદ પરિસરમાં રાજ્યસભાના અધ્યક્ષની મજાક ઉડાવવાની ઘટનાને પણ અયોગ્ય અને અભદ્ર ગણાવી હતી. તેમણે કહ્યું કે, આજદિન સુધી સંસદના ઈતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી.
ઉપરાષ્ટ્રપતિના અપમાન પર દુઃખ વ્યક્ત કર્યું
આ સાથે માયાવતીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અપમાન પર પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે અધ્યક્ષનું અપમાન કરવું એ આખા ગૃહ અને લોકશાહીનું અપમાન છે. સંસદકાંડ પર તેમણે જણાવ્યું કે, સંસદીય પરંપરાની રક્ષા કરવી એ દરેકની જવાબદારી છે. આ સાથે તેમણે આ એક ચિંતાનો વિષય ગણાવ્યો હતો. સરકાર અને લોકસભા અધ્યક્ષને અપીલ કરતાં તેમણે કહ્યું કે, આ મામલાની કડક તપાસ થવી જોઈએ અને જે લોકો દોષિત છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે.
‘I.N.D.I. ગઠબંધનમાં BSP સામેલ નથી’
લોકસભા ચૂંટણીમાં I.N.D.I. ગઠબંધનમાં સામેલ થવા પર માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટી બસપા તેમાં જોડાશે નહીં. તેમણે કહ્યું કે તાજેતરમાં એક અફવા ફેલાઈ હતી કે અમારી પાર્ટી તેમાં જોડાઈ રહી છે. માયાવતીએ કહ્યું કે જે પાર્ટીઓ વિપક્ષી ગઠબંધનમાં સામેલ નથી તેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે જે લોકો આવી ટિપ્પણી કરે છે તેઓએ આમ કરવાનું ટાળવું જોઈએ.
સંસદમાંથી 143 સાંસદોનું સસ્પેન્શન
સંસદમાં થયેલી સુરક્ષા ચૂકની ઘટનાને લઈ વિપક્ષી દળોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે સાંસદો પર કાર્યવાહી કરાઈ હતી. અત્યાર સુધી સંસદના બંને ગૃહોમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી 97 સાંસદો લોકસભાના છે જ્યારે 46 સાંસદો રાજ્યસભાના છે. બુધવારે બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા. આના એક દિવસ પહેલા મંગળવારે 49 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સોમવારે 92 સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાંથી 46 સાંસદો લોકસભાના અને 46 સાંસદ રાજ્યસભાના હતા.
TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી હતી
13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ભંગ થયો હતો. જેને લઈ વિપક્ષી દળો ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. તેમજ હંગામો કરી ગૃહની કાર્યવાહી કરી અડચણ પેદા કરી રહ્યા હતા. સાંસદોને સસ્પેન્ડ કરાતા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરીને તેમની મજાક ઉડાવી હતી. જ્યારે બેનર્જી ધનખડની મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. ત્યારથી સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો: રાજ્યસભા અધ્યક્ષની મિમિક્રી કરવા બદલ ટીએમસી સાંસદ ફસાયા, ફરિયાદ દાખલ